(એજન્સી) ભોપાલ, તા. ૪
મધ્યપ્રદેશમાં કમલનાથની આગેવાનીવાળી કોંગ્રેસની સરકારના ૧૦ ધારાસભ્યોને ભાજપ દ્વારા બળજબરીથી પકડી લેવાનો આરોપ લગાવ્યા બાદ દિલ્હી નજીકના ગુરગાંવની એક ફાઇવ સ્ટાર હોટેલ બહાર અડધી રાતે હાઇવોલ્ટેડ ડ્રામા સર્જાયો હતો જે સવાર સુધી ચાલુ રહ્યો હતો. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પોતાના પુત્ર સાથે ધારાસભ્યોને બચાવવાના કામની આગેવાની લીધી હતી. દિગ્વિજય સિંહ, તેમના પુત્ર જયવર્ધન સિંહ અને અન્ય એક કોંગ્રેસના નેતા જીતુ પટવારી રાતે એક વાગે ગુરગાંવના માનેસરમાં આવેલી આટીસી ગ્રાન્ડભારત હોટેલમાં પહોંચ્યા હતા. પટવારી અને જયવર્ધન બંને મધ્યપ્રદેશની સરકારમાં મંત્રી છે. રાતે બે વાગે બંને મંત્રી હોટેલ બહાર ચાલતા દેખાયા હતા. તેઓ માયાવતીની બહુજન સમાજ પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય સાથે હતા. જયવર્ધન સિંહે સવારે ૯ વાગે ટિ્‌વટ કર્યું હતું કે, ભાજપે ભારતની રાજનીતિને ધમરોળી છે અને અમારા ધારાસભ્યોને પરિવાર સાથે બંધક બનાવ્યા છે. આ લોકો નાણા તથા તાકાતના જોરે સરકાર બનાવવા માગે છે. કમલનાથ સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. હોટેલમાં રહેલા ચાર કોંગ્રેસના ધારાસભ્યોમાં હરદીપ ડાંગ, રઘુરાજ કંસારા અને બિસાહુલાલ સિંહ તથા અપક્ષ ધારાસભ્ય શેરા ભૈયાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, તેણે છ અન્ય ધારાસભ્યોને બચાવવામાં સફળતા મેળવી છે. મધ્ય પ્રદેશની રાજનીતિમાં ફરીથી મોટો વળાંક આવ્યો છે. હકીકતમાં કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવાના ઈરાદાથી કોંગ્રેસ પાર્ટીના ૪ અને બહારથી સરકારને સમર્થન કરી રહેલા અપક્ષ અને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મળીને કુલ ૮ ધારાસભ્યોને લઈને ગુરૂગ્રામ હોટલ લઈ ગઈ છે. મધ્યપ્રદેશના નાણામંત્રી તરુણ બારોટે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ અને અન્ય પક્ષના મળીને કુલ આઠ ધારાસભ્યોને ગુરુગ્રામ હોટેલમાં બળજબરીપૂર્વક કેદ કરીને રખાયા છે. તેમણે કહ્યું હતું કે અમારા એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બિશાહુલાલે અમને કોલ કરીને જાણ કરી હતી કે અમને બળજબરીપૂર્વક ગુરુગ્રામમાં એક હોટેલમાં કેદ કરી રખાયા છે અને અમને તેનાથી બહાર જવાની પણ છૂટ અપાઇ રહી નથી. તેમણે કહ્યું હતું કે બે અન્ય મંત્રી શહેરી વિકાસ મંત્રી જલવર્ધનસિંહ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી જીતુ પટવારીને પણ હોટેલમાં જ રખાયા છે. કુલ મળીને આઠ ધારાસભ્યોને કેદ કરી રખાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે તેમની પાર્ટીના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયત્ન કરી રહી છે. દિગ્વિજય સિંહે દાવો કર્યો કે, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રા ૨૫-૩૫ કરોડ રુપિયા આપીને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, ગત વર્ષે જુલાઇમાં વિપક્ષ નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યની વિધાનસભામાં કમલનાથ સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે, અમને ઉપરથી આદેશ મળી ગયો છે. તમારી સરકાર નહીં બચે. હાલમાં રાજ્યની વિધાનસભામાં ૨૨૮ સભ્યો છે.

મધ્યપ્રદેશમાં ચૂંટાયેલી સરકાર તોડવાનો ભાજપનો પ્રયાસ; આવું ષડયંત્ર લોકશાહી પર કલંક : કોંગ્રેસ

(એજન્સી) ભોપાલ, તા. ૪
કોંગ્રેસે બુધવારે ભાજપ પર નાણા અને સત્તાના જોરે મધ્યપ્રદેશમાં સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આવું ષડયંત્ર લોકશાહી પર કલંક છે. દેશની વિપક્ષી પાર્ટીએ આશા વ્યક્ત કરી છે કે, દેશની સુપ્રીમ કોર્ટ આ અંગે નોંધ લેશે અને મધ્યપ્રદેશમાં તેમની સરકારને તોડી પાડવામાં ભાજપ સફળ થશે નહીં. મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી જીતુ પટવારીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારને તોડી પાડવાના ષડયંત્રના ભાગરૂપે ભાજપના નેતાઓએ મધ્યપ્રદેશમાં આઠ ધારાસભ્યોને હરિયાણાની હોટેલમાં બંધક બનાવ્યા છે. પટવારીનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો હતો કે, ભગવા દળના સિનિયર નેતાઓએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ દ્વારા ખરીદવાના પ્રયાસોમાં બહુજન સમાજ પાર્ટીના એક ધારાસભ્યને ચાર્ટર ફ્લાઇટથી દિલ્હી લઇ જવાયો છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, લોકશાહીમાં કઇ સરકાર ચૂંટવી તે લોકો પર છોડી દેવું જોઇએ. તેમણે ઉમેર્યું કે, તમે ગુજરાત આંચકી લીધું, કર્ણાટક, ગોવા, મણિપુર અને મેઘાલય પણ લઇ લીધું. નોટબંધીથી ભાજપની પેટીઓ કાળા નાણાથી ભરેલી છે. તેઓ લોકો દ્વારા ચૂંટેલી સરકારને તોડી પાડવા માટે કાળા નાણાનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધું બે લોકો મોદી-શાહના ઇશારે થઇ રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે, મધ્યપ્રદેશમાં તેઓ સફળ થશે નહીં.

ધારાસભ્યોને ખરીદવાનો ભાજપનો પ્રયાસ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર સંપૂર્ણ સુરક્ષિત

(એજન્સી) ભોપાલ, તા. ૪
કોંગ્રેસના સિનિયર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે ભાજપ પર આરોપ મુક્યો હતો કે, તે મધ્યપ્રદેશમાં તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરે છે પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્થિર છે. રાજ્યના મંત્રી જીતુ પટવારીએ આરોપ મુક્યો હતો કે, મધ્યપ્રદેશમાં ભાજપે આઠ ધારાસભ્યોને હરિયાણાની હોટેલમાં રાખ્યા છે જે કમલનાથ સરકારને તોડવા માટેનું ષડયંત્ર છે. બીજી તરફ ભાજપે આ તમામ આરોપો ફગાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ સિંધિયાએ કહ્યું કે, આ ૧૦૦ ટકા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ છે. અમે સંગઠિત છીએ અને અમારા સરકાર સ્થિર છે. અમારી સંખ્યા ગણી છે અને મધ્યપ્રદેશમાં સરકારને કોઇ જોખમ નથી. તેમણે કહ્યુ કે, મંગળવારે મોડી રાતે રાષ્ટ્રીય રાજધાની નજીક ગુરગાંવમાં રચાયેલું કાવતરૂં ચોક્કસપણે ભાજપનું છે. હું મંગળવારે કામ માટે ગ્વાલિયરમાં હતો પણ તમને વિશ્વાસ અપાવું છું કે, રાજ્ય સરકાર સંપૂર્ણ સુરક્ષિત છે. ૨૩૦ ધારાસભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસના ૧૧૪, ભાજપના ૧૦૭ સભ્યો છે જ્યારે બહુમતી માટે કુલ ૧૧૬ની સંખ્યા જોઇએ. કોંગ્રેસની સરકારે ચાર અપક્ષ ધારાસભ્યોનો ટેકો લીધો છે જ્યારે બહુજન સમાજ પાર્ટીના બે ધારાસભ્યો પણ ટેકો આપી રહ્યા છે.

કમલનાથે કહ્યું – સ્થિતિ કાબૂમાં છે, ચિંતા કરવાની જરૂર નથી, ધારાસભ્યો પાછા આવી જશે

(એજન્સી) તા.૪
મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને ઉથલાવી પાડવાના કાવતરાં સાથે ભાજપના નેતાઓ આઠ જેટલા કોંગ્રેસ અને તેના સહયોગીના ધારાસભ્યોને ગુરુગ્રામની હોટેલમાં લઇ ગયા અને તેમને ત્યાં કેદ કરી લીધા હતા. જોકે આ તમામ પ્રકારના આરોપો વચ્ચે કોંગ્રેસમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. કોંગ્રેસ વતી કમલનાથે પણ કહ્યું છે કે આપણે ચિંતા કરવાની જરુર નથી. સ્થિતિ કાબૂમાં જ છે. ભાજપનું કાવતરું નિષ્ફળ જશે અને આપણાં ધારાસભ્યો પણ પાછા આવી જશે. જોકે વિપક્ષના તમામ પ્રકારના આરોપોને નકારી કાઢતાં ભાજપે કહ્યું હતું કે આ બધી વસ્તુઓ રાજ્યસભાની ચૂંટણીને જોતાં સર્જાઇ છે. અમે કોઇને આવી રીતે કેદ કર્યા નથી. જોકે મીડિયાના અહેવાલો અનુસાર દિગ્વિજય અને તેના પુત્ર જયવર્ધનસિંહ પણ ખુદ હરિયાણામાં આવેલી હોટેલમાં ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. દિગ્વિજયસિંહે કહ્યું હતું કે જ્યારે અમને જાણ થઇ કે જીતુ પટવારી અને જયવર્ધનસિંહ ત્યાં છે. અમે તેમનો સંપર્ક સાધ્યો. અમે બિશાહુલાલ સિંહ અને રામાબાઇને સાથે લઇ આવ્યા છીએ. જોકે ભાજપે તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણીઓ માટે
મધ્યપ્રદેશમાં ધારાસભ્યોને વ્હીપ જારી કરશે

(એજન્સી) ભોપાલ, તા. ૪
કોંગ્રેસના એક મંત્રીએ બુધવારે જણાવ્યુંં હતું કે, મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ૨૬મી માર્ચે થનારી ચૂંટણીઓ માટે કોંગ્રેસ ૧૧૪ ધારાસભ્યોને વ્હીપ જારી કરશે. આ પહેલા કમલનાથ સરકારને અસ્થિર કરવાના પ્રયાસમાં પોતાના ધારાસભ્યોને ભાજપના નેતાઓ હરિયાણામાં બંધક બનાવી લઇ ગયા હોવાનો સત્તાધારી પાર્ટીએ આરોપ મુક્યો હતો. બીજી તરફ ભાજપે દાવાને ફગાવી જણાવ્યું છે કે, પાર્ટી કોંગ્રેસની સરકારને તોડવાના પ્રયાસ કરતી નથી. વિધાનસભા બાબતોના મંત્રી ગોવિંદસિંહે પત્રકારોને કહ્યું કે, અમે વ્હીપ જારી કરવા જઇ રહ્યા છીએ અને જો કોઇ ધારાસભ્ય નિયમ તોડશે તો તેનું સભ્યપદ એક કલાકમાં જ આંચકી લેવાશે. તેમણે કહ્યું કે, કોઇપણ ભોગે ક્રોસવોટિંગ ચલાવી લેવાશે નહીં. સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ રાજ્યસભાની ચૂંટણી માટે વ્હીપ જારી કરતી નથી. પાર્ટીના સૂત્રો અનુસાર લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે હારી ગયેલા વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવી શકાય છે.

ભાજપે ધારાસભ્યોને ૫થી૧૦ કરોડની ઓફર કરી : દિગ્વિજયસિંહ

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે, ભાજપપે ધારાસભ્યોને ૫ થી ૧૦ કરોડની ઓફર આપી છે. સાથે જ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ૮માંથી ૬ ધારાસભ્યોને કોંગ્રેસે હોટલમાંથી બહાર કાઢી લીધા છે. કમલનાથ સરકારમાં કેબિનેટ મંત્રી અને દિગ્વિજય સિંહના દિકરા રાજ્યવર્ધન સિંહે રાજ્ય સરકારને બચાવી લીધી હતી.

આ તો એમના ઘરનો મામલો છે : શિવરાજસિંહ ચૌહાણ

બીજી તરફ ભાજપના નેતા અને એમપીના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે. શિવરાજ સિંહે જણાવ્યું કે આ મામલો તેમના ઘરનો છે. પરંતુ આરોપ અમારા પર લગાવી રહ્યા છે. તેમનું કામ માત્ર આરોપ લગાવવાનું છે. કોંગ્રેસમાં એટલા જૂથ છે કે ત્યાં ખેંચતાણ ચાલી રહી છે.