(એજન્સી) ભોપાલ, તા.૧૯
શિવરાજસિંહ ચૌહાણે પોતાના મંત્રીમંડળમાંથી રાજ્યકક્ષાના પ્રધાન પદે રહેલ ભાજપ નેતા રાજેન્દ્ર નામદેવને મંત્રીમંડળમાંથી દૂર કર્યા છે.
હનુમાનગંજ પોલીસે રાજેન્દ્ર નામદેવ સામે કહેવાતા છેડતીના આરોપો બદલ કેસ નોંધ્યો છે. એમણે એસિડ હુમલામાં બચી ગયેલ પીડિતાની છેડતી કરી હતી. આ ઘટના ભોપાલની એક હોટલમાં ૧૧મી નવેમ્બર ર૦૧૭માં બની હતી. પોલીસે જો કે, હજુ સુધી નામદેવની ધરપકડ નથી કરી અને જણાવ્યું છે કે, નામદેવે પણ પીડિતા સામે ફરિયાદ નોંધાવી છે જેની અમે તપાસ કરી રહ્યા છીએ.
એસિડ હુમલાની પીડિતાએ છેડતીની ફરિયાદ ગયા વર્ષે નવેમ્બરમાં કરી હતી. જેના પગલે અમે નામદેવની પૂછપરછ કરી હતી જે દરમિયાન એમણે પોતાનો બચાવ કર્યો હતો. અમે મામલાની સંપૂર્ણ તપાસ કર્યા પછી નિર્ણય લઈશું.
એસિડ હુમલાની પીડિતા એક ઈજનેર છે જે ભોપાલમાં એક ખાનગી કંપનીમાં કાર્ય કરે છે. જે આરોપીએ જૂન ર૦૧૬ના વર્ષમાં એની ઉપર એસિડ ફેંક્યો હતો એ હાલ જેલમાં છે. પોલીસના જણાવ્યા મુજબ એસિડ હુમલાની પીડિતાએ પોતાની ફરિયાદમાં નામદેવ સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, નામદેવે એને હોટલમાં બોલાવી હતી અને છેડતી કરી હતી. બીજા દિવસે પણ એમણે છેડતીનો પ્રયાસ કર્યો હતો અને ધમકી આપી હતી. નામદેવ રાજકારણી છે એથી હું એની સામે ફરિયાદ કરવા ગભરાતી હતી પણ છેવટે હિંમત દાખવી ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે, ભાજપ નામદેવને બચાવવા પ્રયાસો કરે છે જ્યારે હેમંત કટારે સામે પગલાં લેવાના હતા ત્યારે ત્વરિત પગલાં લીધા હતા. પણ હવે કોઈ પગલાં લેતી નથી.