(એજન્સી) ખંડવા, તા.૭
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ગાયોના પરિવહન બદલ ગામના લોકોએ રપ શખ્સોને દોરડા વડે બાંધી પોલીસ સ્ટેશન સુધી બે કિ.મી. લાંબી પરેડ કરાવી હતી. આ ગાયો મહારાષ્ટ્ર લઈ જવાતી હતી એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ગામના લોકો હાથમાં લાકડી સાથે પશુ ટ્રાન્સપોર્ટરોને ‘‘ગૌ માતા કી જય’’ સૂત્ર બોલાવતા નજરે પડ્યા હતા. જિલ્લા વડામથકથી ૬૦ કિ.મી.ના અંતરે સતવાલીખેડા ગામના ખાલવાસ વિસ્તારમાં આ ઘટના બની હતી એમ પોલીસે જણાવ્યું હતું. ખંડવાના એસ.પી.શિવદયાલસિંહે જણાવ્યું હતું કે અમે પરવાનગી વિના પશુઓની હેરાફેરી કરવા બદલ આ શખ્સોની સામે ફરિયાદ દાખલ કરી છે. અમે ગ્રામજનો અને ખેડૂતો સામે પણ ટ્રાન્સપોર્ટરોની કનડગત કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. આ સાથે અમે ર૧ ટ્રકો પણ કબજે લીધી છે. આ લોકો મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી ગાયો મહારાષ્ટ્ર લઈ જઈ રહ્યા હતા. મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલાં આ ઘટના બની હતી. આ સત્રમાં રાજ્યની કમલનાથ સરકાર ગૌ રક્ષણના નામે થતી હિંસા અટકાવવા કાયદામાં સુધારો કરવાના પ્રસ્તાવને રજૂ કરે તેવી શક્યતા છે.