ભોપાલ,તા. ૧૮
મધ્યપ્રદેશના સીધી જિલ્લા હેડક્વાટર્સથી આશરે ૪૨ કિલોમીટરના અંતરે સ્થિત બહરી હનુમના માર્ગ પર જાનેયાઓને લઇને જતી મિની ટ્રક સોન નદી પર બનેલા જુગદહા પુલથી મોડી રાત્રે નીચે ખાબકી જતા ઓછામાં ઓછા ૨૨ જાનૈયાઓના મોત થઇ ગયા છે. આ અકસ્માતમાં અન્ય ૨૨થી વધારે જાનૈયાઓ ઘાયલ થયા છે. જે પૈકી મોટા ભાગના લોકોની હાલત ગંભીર બનેલી છે. ઘાયલ થયેલા લોકો પૈકી તમામને પુરતી સારવાર આપવામાં આવી રહી છે. સીધી કલેક્ટર દિલીપ કુમારે માહિતી આપતા કહ્યુ હતુ કે આ અકસ્માતમાં મોતનો આંકડો હજુ વધી શકે છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માત અંગે દુખ વ્યક્ત કરીને મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને બે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોના પરિવારના સભ્યોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યુ છે કે આ બનાવ જિલ્લા હેડક્વાટર્સથી આશરે ૪૨ કિલોમીટરના અંતરે સ્થિત રાત્રે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ થયો હતો. દિલીપ કુમારે માહિતી આપતા કહ્યુ છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. કારણ કે બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલી રહી છે. પુલથી નીચે ખાબકી ગયેલી ટ્રકને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મિની ટ્રકને બહાર કાઢવા માટે ગેસ કટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રકની અંદર ફેસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાનૈયામિની ટ્રકમાં સિંગરોલીથી જુગનીથી સીધી જિલ્લાના અમિલિયા તરફ જઇ રહ્યા હતા. મધ્યપ્રદેશમાં હાલના સમયની સૌથી મોટી દુર્ઘટના તરીકે આને ગણવામાં આવે છે.