(એજન્સી) મુંબઇ, તા. ૨૮
ભાજપ માટે આંચકા સમાન એવા મધ્યપ્રદેશ અને ઓરિસ્સા પેટાચૂંટણીમાં તેનો કારમો પરાજય થયો છે. મધ્યપ્રદેશમાં મુંગાવલી અને કોલારસ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે જ્યારે ઓરિસ્સાની બીજેપુર લોકસભા બેઠક પર બીજેડીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને હરાવી જોરદાર ફટકો આપ્યો છે. ભાજપે ઓરિસ્સાની આ બેઠક પર જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં તેના ઉમેદવાર અશોક પાનીગ્રાહીનો ૪૧,૦૩૩ મતોથી કારમો પરાજય થયો હતો જ્યારે બીજેડીના ઉમેદવાર રીતા સાહુને ૧,૦૨,૮૭૧ મતો મળ્યા હતા. આ બેઠક તેમના પતિના અવસાન બાદ ખાલી પડી હતી. મધ્યપ્રદેશમાં મુંગાવલીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેન્દ્રસિંહ યાદવે ભાજપના ઉમેદવાર બાઇ સાહિદને કટ્ટર પ્રતિસ્પર્ધા વચ્ચે હરાવ્યા હતા જ્યારે આ બેઠક પર ૧૩ ઉમેદવારો મેદાનમાં હતા. બીજીતરફ કોલારસમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થઇ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવારે લીડ જાળવી રાખી હતી. આ બેઠક પર કુલ ૨૨ ઉમેદવારો મેદાનમાં હતા. મધ્યપ્રદેશની આ બંને બેઠકો ગુણા લોકસભા બેઠક અંતર્ગત આવે છે જ્યાં કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા સાંસદ છે. કોલારસમાં ૨,૪૪,૪૫૭ મતદારો જ્યારે મુંગાવલીમાં ૧,૯૧,૦૦૯ કુલ મતદારો હતા. કોંગ્રેસના વિજયથી જ્યોતિરાદિત્ય સિંધિયાને આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઉતારવામાં આવે તેવી પ્રબળ સંભાવના વધી ગઇ છે. બીજી તરફ બે લોકસભા અને બે વિધાનસભા બેઠકો હારી ગયેલી ભાજપ આઘાતમાં સરી પડી હોય તેમ જણાય છે અને તેના માટે ૨૦૧૯ની રાહ વધુ કઠિન બની ગઇ હોય તેમ જણાય છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસે તાજેતરમાં જ ભાજપ પાસેથી બે લોકસભા અને એક વિધાનસભા બેઠક આંચકીલીધી હતી. દરમિયાન ઓરિસ્સામાં પોતાની પાર્ટીની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યં હતું કે, આ પરિણામોની અસર ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દેખાશે.