(એજન્સી) તા.૨૦
દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ યથાવત્‌ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્વાલિયર હિન્દુ મહાસભાના સભ્યોએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની મંગળવારે જન્મજયંતિ મનાવી હતી. જેની સામે કોંગ્રેસ લાલઘૂમ થઈ હતી. જો કે, હિન્દુ મહાસભાએ આ કૃત્ય બીજી વખત કરી બતાવ્યું છે. ગ્વાલિયરમાં દૌલતગંજ ખાતે હિન્દુ મહાસભાના કાર્યાલયે આશરે સેંકડો કાર્યકરો એકઠાં થયા હતા અને તેમણે ગોડસેની ૧૧૧મી જન્મજયંતિના અવસરે ૧૧૧ લેમ્પ પ્રગટાવી ઉજવણી કરી હતી. તેઓએ આ દરમિયાન નારાયણ આપ્ટેને શુભેચ્છા પણ પાઠવી હતી અને મીઠાઈઓ વહેંચીને ઉજવણી પણ કરી હતી. ગત વર્ષે જ ૧૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ મહાસભાએ ગોડસેની ૭૦મી પુણ્યતિથી મનાવી હતી. તેની સાથે સાથે તેના મુખ્ય સહયોગી નારાયણ આપ્ટેના ફાંસીને બલિદાન દિવસ તરીકે મનાવ્યું હતું અને આતશબાજી પણ કરી હતી. જેના પર ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે સત્તામાં કોંગ્રેસ હતી એટલે તેણે હિન્દુ મહાસભાના આ લોકો વિરૂદ્ધ કેસ નોંધવા પોલીસને નિર્દેશ આપ્યો હતો. એ જ મહિનામાં ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે પણ ગોડસેને દેશભક્ત કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. વિપક્ષી દળોએ સાધ્વીના આ નિવેદનની આકરી ઝાટકણી પણ કાઢી હતી.