(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૨
હરિયાણા કોંગ્રેસમાં પણ મધ્યપ્રદેશની અસર દેખાઇ રહી છે અને પાર્ટી વિખેરાતી નજરે પડે છે. રાજ્યસભા ચૂંટણીને લઇને મધ્યપ્રદેશની જેમ હરિયાણામાં પણ પાર્ટીનું સંકટ વધ્યું છે. અહેવાલો અનુસાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા વિપક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમાર શેલજાએ લઇ જાહેરમાં વિરોધ કર્યો છે. હુડ્ડાએ કુમાર શેલજાને રાજ્યસભા ટિકિટ આપવા અંગે ભારે વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, એક શખ્સને બંને હોદ્દા ના આપી શકાય. શેલજા હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ પણ છે તેથી હુડ્ડા ઇચ્છતા નથી કે, એક વ્યક્તિને બે પદ આપવામાં આવે. હરિયાણામાં રાજ્યસભાની ત્રણ બેઠકો છે જેમાં એક બેઠક કોંગ્રેસના ખાતામાં જશે. ૯૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના ૩૧ સભ્યો છે અને તેથી માનવામાં આવે છે કે કોંગ્રેસ એક બેઠક સરળતાથી જીતી લેશે. પરંતુ ટિકિટને લઇને કુમારી શેલજા તથા હુડ્ડા વચ્ચે ખેંચતાણ શરૂ થઇ છે. કુમારી શેલજા ફરી એકવાર ૯ એપ્રિલે ખાલી થઇ રહેલી બેઠક પર દાવેદારી કરવાની તૈયારી કરે છે ત્યારે વિરોધ પક્ષના નેતા હુડ્ડાને આ મંજૂર નથી. અહેવાલો અનુસાર કોંગ્રેસ આ બેઠક શેલજાને આપવા માગે છે પરંતુ હુડ્ડા પોતાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાને ઉમેદવારી કરાવવા માગે છે. મોટાભાગના ધારાસભ્યો પણ દીપેન્દ્રને ઉમેદવારી કરાવવા માગે છે. આ માટે હુડ્ડાએ બે દિવસ પહેલા સોનિયા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ હાઇકમાન્ડ કુમારી શેલજાને જ ફરીવાર રાજ્યસભા ઉમેદવાર બનાવવાના પક્ષમાં છે.