મધ્યપ્રદેશ, તા.૮
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે આજે સવારે ભાજપને જોરદાર આંચકો આપ્યો હતો. કોંગ્રેસ ત્યજીને ભાજપમાં જોડાઇ ગયેલા ગ્વાલિયરના જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં કમલનાથે મોટું ગાબડું પાડ્યું હતું. ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા સતીશ સિકરવાર આજે સવારે સેંકડો કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કમલનાથની હાજરીમાં સતીશ સિકરવારે કોંગ્રેસનું સભ્યપદ સ્વીકારતાં ભાજપને જોરદાર આંચકો લાગ્યેા હતો. ખાસ કરીને ગ્વાલિયર-ચંબલ પેટાચૂંટણી પહેલાં કમલનાથે આ સિદ્ધિ મેળવીને ભાજપને સ્તબ્ધ કરી દીધો હતો. સતીશ સિકરવાર ગ્વાલિયરમાં મોટા ગજાના નેતા ગણાય છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના કેટલાક કાર્યકરો ભાજપમાં આવવાથી સિકરવાર નારાજ હતા. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર મુન્નાલાલ ગોયલ સામે ભાજપી ઉમેદવાર સતીશ સિકરવાર હાર્યા હતા. આ વખતે મુન્નાલાલ ગોયલ ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીના ઉમેદવાર છે. એટલે સિકરવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. પેટાચૂંટણી પણ થશે તો મુન્નાલાલ યાદવ અને સતીશ સિકરવાર વચ્ચે જ. એમને પોતાની અવગણના થઇ રહી હોય એવું લાગતું હતું. સતીશ સિકરવારની કૌટુંબિક ભૂમિકા પણ ભાજપની છે. એના પિતા ગજરાજ સિંઘ અને ભાઇ સત્યપાલ સિંઘ પણ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા હતા. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ટેકેદારો સાથે ભાજપમાં આવી જવાથી સિકરવાર જૂથનું અને પક્ષના જૂના જોગીઓનું માન ઘટી ગયું હોય એવું સિકરવારને લાગતું હતું. હવે ભાજપની નેતાગીરી ગ્વાલિયર-ચંબલના નારાજ નેતા-કાર્યકરોને મનાવવાની કોશિશ કરી રહી હતી. ૨૦૧૮ની ચૂંટણીમાં સિકરવાર કોંગ્રેસના મુન્નાલાલ ગોયલ સામે માત્ર ૧૮ હજાર વોટથી હાર્યા હતા.