(એજન્સી) તા.૫
૩૦ ઓગસ્ટના રોજ મોહર્રમના જૂલુસનું નેતૃત્વ કરનારા ઈન્દોરના પૂર્વ કોર્પોરેટર ઉસ્માન પટેલ વિરૂદ્ધ નેશનલ સિક્યોરિટી એક્ટ(એનએસએ) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તદઉપરાંત સવાલ એ છે કે ઈન્દોર ૨ના ભાજપના જ ધારાસભ્ય રમેશ મંડોલાએ જ્યારે ૧૦ દિવસ માટે ગણેશ ચતુર્થીની ઉજવણીનો કાર્યક્રમ કર્યો હતો ત્યારે પોલીસે આ મામલે મૌન સાધી લીધું હતું. કોરોના વાયરસ મહામારીને લગતી ગાઈડલાઇન્સની સતત અવગણનાં કરતાં મંડોલાએ ગણેશ ચતુર્થીએ ફક્ત પંડાલ જ નહોતો લગાવ્યો પણ તેની સાથે સાથે તેણે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યુ હતું. આ દરમિયાન કોંગ્રેસે તેમનો વિરોધ કરતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહીની માગ પણ કરી હતી છતાં તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જોકે ઉસ્માન પટેલના કેસમાં ૩૦ ઓગસ્ટના રોજ મોહરમના જૂલુસમાં સામેલ થવાના આરોપ હેઠળ ઈન્દોર પોલીસે ૨૮ લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધી હતી. જોકે તેમાંથી પાંચની સામે તો નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો. જોકે અન્ય ૨૩ સામે કલમ ૧૮૮, ૨૬૯, ૨૭૦ અને ૧૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ ૨૮ લોકોને ઈન્દોરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા હતા. જે પાંચ લોકોની એનએસએ એક્ટ હેઠળ ધરપકડ કરવામાંઅ આવી હતી તેમાં ઉસ્માન પટેલ(૫૮)નો સમાવેશ થતો હતો જેમણે નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ કોંગ્રેસ સાથે મળીને અગાઉ દેખાવો કર્યા હતા. જોકે અન્ય ચાર લોકોમાં ઈસ્માઈલ પટેલ, અનસાર પટેલ, મોહમ્મદ અલી પટેલ અને શહેઝાદ પટેલનો સમાવેશ થતો હતો. જોકે શહેઝાદને બાદ કરતાં બાકીના લોકો ઉસ્માનના સંબંધીઓ જ છે.