(સંવાદદાતાદ્વારા) સુરત,તા.૩૦
સુરતમાં ફસાયેલા પરપ્રાંતિય નાગરિકોનેવતન જવાની પરવાનગી માટે સુરત કલેક્ટરે વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે જેનાથી પરપ્રાંતિયોને કલેક્ટર કચેરી કે કોઈ રાજકારણીના ઘરના ચક્કર મારવા નહી પડે. કોઈપણ નાગરિકોને હાઈ-વે પરથી જ મંજૂરી આપવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જોકે આ મંજુરી માત્ર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉડિસાના રહીશોને જ આપવામાં આવી છે. આ ત્રણ રાજ્ય સિવાયના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા ચાલુ છે અને ઝડપથી પરવાનગી મળે એવી આશા સેવવામાં આવી રહી છે.
આ ત્રણ રાજ્યો જવા માંગતા કોઈપણ નાગરિકવાહન મારફતે મુસાફરી કરી શકશે આ માટે ધામદોડ ચેકપોસ્ટ, માણેક પોર ચેકપોસ્ટ, માખિંગા ચેક પોસ્ટ પર મેડિકલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે નાગરિક સંપૂર્ણ સ્વસ્થ હશે એને જ મુસાફરી માટેની પરવાનગી આપવામમાં આવશે.
આ માટે અમુક માર્ગદર્શિકા ઘોષિત કરવામાં આવી છે જેમ કે, ડ્રાઈવરનું નામ અને નંબર, ગાડીનું નંબર, જ્યાં જવાનું હોય તે રાજ્ય, જિલ્લો, તહેસીલ અને ગામનું નામ, ગ્રુપ લિડરનું નામ અને મોબાઈલ નંબર તેમજ ગાડીમાં સવાર તમામ નાગરિકોનું નામ, નંબરઅને ગામની ડિટેલ આપવાની રહેશે. અન્ય રાજ્યના લોકોને પરવાનગી આપવામાં આવી નથી જેથી તેમને હજુ સુરતમાં જ રહેવું પડશે. આ સાથે જ સુરતમાં વસતા અંદાજિત ૧૫ લાખ જેટલા પાટીદારો પૈકી સૌરાષ્ટ્ર જવા ઈચ્છતા લોકોની આશા હજુ ફળી નથી. આજની મંજુરી બાદ ધારાસભ્ય ઝાલા વડિયાના પત્રએ પાટીદારોમાં ઊચાટ ફેલાવ્યો છે પરંતુ એમએલએએ ખુલાસો કરતા જણાવ્યું કે, તેમના લેટરને આધારે જ આ ત્રણેય રાજ્યના નાગરિકોને પ્રવાસ માટે મંજુરી આપવામાં આવી છે.