(એજન્સી) તા.૯
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉજજૈનમાંથી ભાગેડું અપરાધી વિકાસ દુબેની ધરપકડની પુષ્ટિ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંઘે કહ્યું હતું કે આ મધ્યપ્રદેશના એક વરિષ્ઠ નેતાના સૌજન્યથી કરવામાં આવેલી પ્રાયોજિત શરણાગતિ છે. આ ઉપરાંત છત્તીસગઢ કોંગ્રેસે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાર્ટીના પ્રવકતા આર.પી.સિંહે કહ્યું હતું કે મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે ઉજજૈનમાં દુબેએ શરણાગતિ સ્વીકારી હતી. તેમણે આગળ કહ્યું હતું કે યુપી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન નરોત્તમ મિશ્રા કાનપુરના પ્રભારી હતા. હવે કાનપુરના હત્યારાએ એ રાજયમાં આત્મસમર્પણ કર્યું છે જયાં મિશ્રા ગૃહમંત્રી છે. શું આ પણ યોગાનુયોગ છે, પ્રયોગ છે કે પછી સત્તાનો દુરૂપયોગ છે આ અંગે એક ઉચ્ચસ્તરીય તપાસ થવી જરૂરી છે. વિકાસ દુબેની ધરપકડ પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટવીટ કરી ઉજજૈન પોલીસને અભિનંદન આપ્યા હતા. તેમણે બીજા ટવીટમાં કહ્યું હતું કે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી છે અને ટૂંક સમયમાં આગામી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ચૌહાણે આ પણ કહ્યું હતું કે, મધ્યપ્રદેશ પોલીસ વિકાસ દુબેને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપી દેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુપી પોલીસ મધ્યપ્રદેશ જવા માટે નીકળી ચૂકી છે અને ઉજજૈનની કોર્ટમાં વિકાસ દુબેને હાજર કર્યા પછી તેના રિમાન્ડની માગણી કરવામાં આવશે.