(એજન્સી) ભોપાલ, તા.પ
મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકાર દ્વારા કોમ્પ્યુટર બાબા અને ભય્યુજી મહારાજ સહિત પાંચ સંતોને રાજ્યમંત્રીનું પદ અપાયા બાદ વિવાદ ઊભો થયો છે. કહેવાય છે કે આ નિર્ણય શિવરાજ સરકાર હવે ધાર્મિક સંતોના માધ્યમથી રાજનૈતિક વાતાવરણ ઊભુ કરી રહી છે.
નોંધનીય છે કે આ સંતો મધ્યપ્રદેશમાં કરોડો છોડ રોપવાના દાવા અંગે કૌભાંડ વિરૂદ્ધ નર્મદા કૌભાંડ રથયાત્રા કાઢવાના હતા. આ બાદ શિવરાજ સરકારે તેમને મનાવવા માટે એક વિશેષ સમિતિ બનાવી છે. જેમાં આ પાંચેય સંતો સભ્ય છે અને તેમને રાજ્યમંત્રીનો હોદ્દો અપાયો છે. આમાં નર્મદાનંદ મહારાજ, હરિહરાનંદ મહારાજ, ભય્યુ મહારાજ અને પંડિત યોગેન્દ્ર મહંતનો સમાવેશ થાય છે હવે આ સંતોએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈ યાત્રાનું આયોજન નહીં થાય.
રાજ્યમંત્રી બન્યા બાદ સંતોના સૂર બદલાયા છે. કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે પ્રદેશ સરકાર નર્મદા નદીના સંરક્ષણ માટે સાધુ સંતોની સમિતિ બનાવવાની માંગનો સ્વીકાર કર્યો છે. હવે અમે યાત્રા કેમ કાઢીશું. એક સન્યાસી તરીકે રાજ્યમંત્રી સ્તરની સુવિધાઓ સ્વીકારવા અંગે જ્યારે તેમને પ્રશ્ન કરાયો ત્યારે તેમણે કહ્યું કે જો અમને પદ અને અન્ય સરકારી સુવિધા નહીં મળે તો અમે નર્મદા નદીના સંરક્ષણનું કામ કેવી રીતે કરીશું અમારે સમિતિના સભ્ય તરીકે નર્મદાને બચાવવા જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત અને અન્ય જરૂરી વ્યવસ્થા કરવાની હશે. આ માટે સરકારી પદ જરૂરી છે.
આ વચ્ચે કોંગ્રેસે બાબા અને મહંતની દાનત પર પ્રશ્ન કરતા કહ્યું કે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમણે કયા કરાર અંતર્ગત કૌભાંડ યાત્રા રદ કરી છે. નોંધનીય છે કે મંત્રી પદ મળતા પહેલા આ સંતોને શિવરાજ સરકાર વિરૂદ્ધ આંદોલનની જાહેરાત કરી હતી જે ૧પ મે સુધી ચાલવાનું હતું પરંતુ હવે આ યાત્રા રદ કરાઈ છે.