(એજન્સી) ભોપાલ, તા. ૧૨
મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિએ રાજીનામું આપનારા ૨૨ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને કહ્યું છેકે, શુક્રવાર સુધી રજૂ થાય અને સ્પષ્ટતા કરે કે તેઓ દબાણમાં પદ છોડી રહ્યા છે કે પછી તેમનો અંગત નિર્ણય છે. દરમિયાન ભાજપે કહ્યું કે, તે ૧૬મી માર્ચના રોજ વિધાનસભામાં મત પરિક્ષણની માગણી કરીશું જ્યારે કોંગ્રેસે કહ્યું કે, તે ૨૨ ધારાસભ્યોના રાજીનામા અંગેના નિર્ણય બાદ જ મત પરિક્ષણમાં ભાગ લેશે. કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, સ્પીકર પ્રજાપતિએ ૨૨ ધારાસભ્યોને નોટિસ મોકલી છે જેમાં છ મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું છે. દિગ્વિજય સિંહે એવો પણ પ્રશ્ન કર્યો કે, પોતાના રાજીનામા રજૂ કરવા ધારાસભ્યો શા માટે વિધાનસભામાં આવી રહ્યા નથી? સ્પીકરે ૨૨ ધારાસભ્યોને નોટિસ મોકલી શુક્રવાર સુધી એવો જવાબ આપવાનું પણ કહ્યું છે કે, તેઓ વિધાનસભામાં આવીને કહે કે, પોતાની મરજીથી રાજીનામું આપી રહ્યા છે કે, દબાણમાં રાજીનામું આપે છે તેમ વિધાનસભાના મુખ્ય સચિવ એપી સિંહે જણાવ્યું હતું. દરમિયાન ભાજપના મુખ્ય વ્હીપ નરોત્તમ મિશ્રાએ પત્રકારોને જણાવ્યું કે, જ્યારે સરકાર લઘુમતીમાં આવી ગઇ છે ત્યારે રાજ્યના બજેટ સત્ર દરમિયાન ૧૬મી માર્ચે મત પરિક્ષણ કરાવવા અમે સ્પીકરને આગ્રહ કરીશું. તેમણે કહ્યું કે, રાજ્યપાલ અને સ્પીકર પાસે ૨૨ ધારાસભ્યોના રાજીનામા છે. હવે તેમની ઉપર છ કે, આ અંગે શું પગલાં લેવા. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સરકારે બહુમતી ગુમાવી છે. જ્યારે આ અંગે દિગ્વિજયને પૂછતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, કમલનાથ પહેલા જ કહી ચૂક્યા છે કે, તેઓ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા ધારાસભ્યોના રાજીનામા અંગેનો નિર્ણય લેવાવો જોઇએ. તેમણે ભાજપ પર રાજકીય સંકટ ઊભું કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાજીનામા સ્વીકારવામાં આવે જ્યારે ધારાસભ્યો સ્પીકરને એક પછી એક મળે અને કોઇપણ દબાણ વિના તેમની સહીઓ તપાશે. જ્યારે રાજીનામા સ્વીકારવામાં આવે ત્યારે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. સ્પીકરે ધારાસભ્યોને નોટિસ મોકલી જ છે હવે તેમની પાસે કોઇ જઇ શકે છે અને સ્પષ્ટતા કરી શકે છે. ૧૯ ધારાસભ્યો ભાજપની બાનમાં છે. ધારાસભ્યોના પરિવારજનો તેમની સાથે વાત કરી શકતા નથી. તેમના ફોન છીનવી લેવાયા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ધારાસભ્યોના રાજીનામા ભાજપના નેતાએ સ્પીકરને સોંપ્યા છે. હવે ભાજપ એવી આશા રાખે છે કે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવે. એક તરફ ભાજપ કહે છે કે, આ કોંગ્રેસની આંતરિક બાબત છે અને બીજી તરફ ભાજપના નેતા કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા સ્પીકરને સોંપે છે. ભાજપ સરકાર રચવા માટે કેવી ગરબડ કરી રહ્યો છે તે દેશના લોકોએ સમજવું જોઇએ.