(એજન્સી) ભોપાલ, તા.૨૧
કોવિડ-૧૯ના સમયમાં જામીન અને આગોતરા જામીનની મંજૂરીના પગલે મધ્યપ્રદેશ હાઇકોર્ટે જામીન, આગોતરા જામીન અરજદારોને “કોવિડ-૧૯ યોદ્ધાઓ” તરીકે નોંધણી કરવા અને જેલમાંથી મુક્ત રહેવા માટે આરોગ્ય સેતુ કોવિડ-૧૯ ટ્રેકિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા આદેશ આપવામાં આવ્યું છે. કેટલાક આદેશોમાં અરજદારોને કેન્દ્ર સરકારના પીએમ કેર્સ કોવિડ-૧૯ ફંડમાં ફાળો જમા કરાવવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ન્યાયાધીશ શીલનાગુ અને રાજીવ કુમાર શ્રીવાસ્તવ, બંનેએ એકલા અથવા ડિવિઝન બેંચમાં સાથે મળીને ઘણા આદેશો પસાર કરી ચૂક્યા છે. જેમાં જામીન અરજી કરનારને જેલમાંથી છૂટકારો મેળવવા કોવિડ-૧૯ વોરિયર તરીકે નોંધણી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ચોક્કસ આગોતરા જામીન અરજીઓને પણ મંજૂરી આપવા માટે સમાન શરતો લાદવામાં આવી છે. કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ કેસની માહિતી મુજબ, આવા ૨૨ ઓર્ડર પસાર થયા છે. આવા તમામ આદેશોમાં સમાન રીતે દર્શાવવામાં આવ્યા છે અને એ સાથે અદાલતે એક નોંધ ઉમેરી છે કે, તે અરજદાર પાસેથી આ સમયમાં સમાજની સેવા કરવાની અપેક્ષા રાખે છે, ત્યારે રાષ્ટ્રીય સેવા પ્રદાન કરવાની તેની મૂળ ફરજ નિભાવવા માટે આમંત્રણ આપે છે, જે બંધારણના અનુચ્છેદ ૫૧-એ(ડી) મુજબ એમની ફરજ છે. જામીન, આગોતરા જામીન, સજા રદ્દ કરવા અને રિવિઝન અરજીઓ પાસ કરવા માટે બીજા આદેશોમાં, કેન્દ્ર સરકારનો આરોગ્ય સેતુ કોવિડ-૧૯ ટ્રેકિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરવી એ અરજીની મંજૂરી માટેની શરત તરીકે સામેલ કરવામાં આવી છે. ન્યાયાધીશ પાઠક દ્વારા પસાર કરાયેલા કેટલાક આદેશોમાં કોર્ટે અરજદારને પીએમ કેર્સ ફંડમાં નાણાં જમા કરાવવા પણ નિર્દેશ આપ્યો છે. દાન માટે ૧,૦૦૦ અને ૨,૫૦૦થી ૧૦,૦૦૦ અને ૧૫,૦૦૦ રૂપિયા જમા કરાવવા આદેશો આપવામાં આવ્યા છે.