(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૬
વડોદરાની સરકારી સયાજી તેમજ ગોત્રી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે સરકારી હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ન મળતાં અંતે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા પરિવારજનો મજબૂર થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ તેમજ ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ સરકારી હોસ્પિટલ છાશવારે વિવાદમાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત દર્દીને સારવાર ન આપી હોસ્પિટલ વિવાદમાં આવી છે. ભરૂચના ૨૭ વર્ષીય નાઝીમ રાઠોડને સુરતના ઓલપાડ પાસે અકસ્માત નડયો હતો તે દર્દીને વધુ સારવાર અર્થે વડોદરાની અટલાદર સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર તબીબોએ ઉપચારનો ખર્ચો વધુ કહેતાં પરિવારજનોએ સરકારી હોસ્પિટલમાં દર્દીને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
વેન્ટિલેટર સાથે જરૂરી સારવાર માટે ૧૦૮ મારફતે દર્દીને સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ તંત્ર તરફથી પહેલાં યોગ્ય જવાબ નહોતો મળ્યો અને ત્યારબાદ વેન્ટિલેટર ન હોવાનું કહી ગોત્રી હોસ્પિટલ જાવ એવું જણાવવામાં આવ્યું હતું દર્દીને લઇ પરીવારજનો ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ વેન્ટિલેટર ન હોવાનું રટણ હોસ્પિટલોના સત્તાધીશોએ કર્યું હતું જેને લઇ પરિવારે મજબૂરીવશ માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર અર્થે ખસેડયો હતો. દર્દીની હાલત હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
દર્દી નાઝીમ રાઠોડના સસરા કાસમ રાજે જણાવ્યું હતું કે સરકાર એકબાજુ કોરોનાના કારણે વેન્ટિલેટર વધારે છે પરંતુ બધા વેન્ટિલેટરઓ કોરોનામાં હોવાના કારણે આજે મારા જમાઈને સારવાર નથી મળી ત્યારે મધ્યમ વર્ગીય પરિવારને સરકારી દવાખાનામાં સારવાર ન મળે તો સરકારી દવાખાનાનો શું જરૂર છે સાથે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને મીડિયા મારફતે રજૂઆત કરી હતી કે વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી દરેક દર્દીને સારવાર મળે તેની વ્યવસ્થા તંત્ર કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.