(એજન્સી) તા.૨૪
બે મજબૂત લોકશાહીના બે મજબૂત નેતા એવા તમામ પોસ્ટરો આખા અમદાવાદમાં સોમવારે જોવા મળ્યા. જોકે આશરે સાડા ત્રણ કલાકની મુલાકાત પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછા જ્યારે આગરા જતા રહ્યા ત્યારે તેમની આ મુલાકાતની લોકો દ્વારા ભારે હાંસી ઊડાડાઈ. રવિવારે રાત્રે એવું કંઈ જ ન દેખાયું કે ભારત એક લોકશાહી દેશ છે કેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોમવારે ભારત આવે તે પહેલાં જ તેમની સામે કોઈ દેખાવ કે પ્રદર્શન ન થાય તે ભયના ઓથારે ગુજરાત પોલીસે એકાએક સપાટો બોલાવીને અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી હતી. આ કાર્યકરોમાં એક દેવ દેસાઈ પણ સામેલ હતા જે એક માનવાધિકાર કાર્યકર છે. ગુજરાત ક્રાઇમ બ્રાન્ચની શાખાએ તેમને તેમના ઘરેથી રાત્રે આશરે ૧ઃ૪૦ વાગ્યે ઊઠાવી લીધા હતા. તેઓ એક દિવસ પહેલાં જ અહીં આવ્યા હતા અને તેમને જ્યારે સવાલ કરાયો કે શું તેઓ કોઈ દેખાવ કરવાના છે ત્યારે તેમણે નકારાત્મક જવાબ આપ્યો હોવા છતાં પોલીસ કોઈ ચાન્સ લેવા માગતી નહોતી અને આખરે તેમની ધરપકડ કરી લેવાઈ. જોકે અમેરિકાના હાઉડી મોદીની વાત કરવામાં આવે તો ત્યાં મોદી ટ્રમ્પના હ્યુસ્ટનમાં ૫૦,૦૦૦ લોકોની હાજરીમાં કરાયેલા પ્રોગ્રામ વખતે પણ ૧૨,૦૦૦ જેટલા દેખાવકારોને લાઇનબદ્ધ રીતે ઊભા થઈને દેખાવો કરવાની છૂટ આપવામાં આવી હતી. આ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૯માં બની હતી તો પછી જણાવો કે કઈ લોકશાહી મજબૂત છે ? અમદાવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં જ ગરીબીને છુપાવી દેવા માટે જે રીતે તંત્ર દ્વારા ઘરોની સામે જ દીવાલ બાંધીને તેના પર પેઈન્ટિંગ કરાયા હતા તે દર્શાવી દે છે કે સરકાર શું બતાવવા માગે છે. આ લોકો ફક્ત પોતાની કરતૂતોને છુપાવવા માગે છે. નહીં કે પોતાનું સત્ય દુનિયા સમક્ષ આવે તે જોવા માગે છે.