મહેમદાવાદ, તા.૪
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મિક્ષ માર્શલ આર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા મુસા રઈશનો સન્માન કાર્યક્રમ ડેસર તાલુકાના રાતડિયા મુકામે કલંદર બાદશાહ બાવા (સેવાલિયા)ના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો.
મિક્ષ માર્શલ આર્ટ ફાઈટ ભારત તરફથી સાઉથ આફ્રિકામાં મેડલ પ્રાપ્ત કરેલ તથા રાષ્ટ્રીય કક્ષાએ સાત મેડલ મેળવનાર મુસા રઈશે બેહરીન અને દુબઈની ફાઈટમાં સફળતા પ્રાપ્ત કરેલ છે. તેમણે ટાઈટલ બેલ્ટ મેળવેલ છે. મુસ્લિમ સમાજના આ યુવાનની સફળતા બદલ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેકે શાલ ઓઢાવી સન્માન કર્યું હતું. આ પ્રસંગે તોરેખાન પઠાણે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજમાં યુવાનોમાં ઘણી પ્રતિભા છુપાયેલી છે. તેને બહાર લાવવાની જરૂર છે. યોગ્ય તક મળે તો યુવાનો દેશનું નામ રોશન કરશે. આ કાર્યક્રમમાં ફરીદભાઈ મુખી, અશગર શેખ, સિરાજભાઈ કુરૈશી, મુન્નાખાન પઠાણ, ઐયુબખાન પઠાણ, સખીબાવા, સલાઉદ્દીન બાબી, મુસ્તાક શેખ, યુસુફ મલેક, રજ્જાક જીરાવાલા તથા સમાજસેવક બાબુભાઈ જમાદારે મુસા રઈશનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ફારૂક જમાદારે જહેમત ઉઠાવી હતી.