અમદાવાદ,તા.૭
આજરોજ બપોરે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલ ૪.૩ના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે આંચકાની તીવ્રતા ઓછી હોઈ કોઈ નુકસાન કે જાનહાનિ સર્જાઈ ન હતી. આ આંચકો સુરત જિલ્લો, વલસાડ, ઓલપાડ, માગરોળ, મોસાલી, ભરૂચ, ટંકારિયા, નેત્રંગ, વાંકલ, ઝંખવાવ, અંકલેશ્વર, ઝઘડિયા, વડોદરા, આણંદ સહિતના વિસ્તારોમાં આવ્યો હતો. જેમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકોને વધુ અસર વર્તાઈ હતી. વડોદરાના સાઈનાથ વીઆઈપી રોડ તરસાલી, માંજલપુર, સુભાનપુરા, કારેલી બાગ સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દર્શનપાર્ક સોસાયટીમાં રહેતા ઝીલ રાણાએ જણાવ્યું હતું કે હું બપોરે ઘરમાં હતી અને કોમ્પ્યુટર પર અભ્યાસ કરી રહી હતી. તે દરમ્યાન એકાએક મારૂ કોમ્પ્યુટર ધ્રૂજવા માંડયું હતું. જેથી હું ગભરાઈ ગઈ હતી. અને મારા પપ્પાને જાણ કરી હતી. મારા પપ્પાએ મને ઘરની બહાર દોડી આવવા જણાવ્યું હતું. માંગરોળ, મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ટંકારિયામાં ઘરો ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવી આંચકાની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. અંકલેશ્વરમાં લોકો બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. ઓફિસો અને બહુમાળી બિલ્ડીંગોમાં કામ કરતા લોકો પોતાનું કામ છોડી બહાર આવી ગયા હતા. રસ્તા પર મુકેલ વાહનો ડોલતા જોવા મળ્યા હતા. નેત્રંગમાં ઘર ધ્રૂજતા લોકો પોતાના જાનની સલામતી માટે બહાર નીકળી ગયા હતા. વાહનવ્યવહાર એકાએક થંભી ગયો હતો. લોકો ભયભીત થઈ ગયા હતા. અને પોતાના સગાસંબંધીઓ મિત્રો સાથે ટેલિફોનિક પૃચ્છા કરી હતી. સુરત, વલસાડ, ઓલપાડ, કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડીંગોમાં રહેતા લોકો ડરના માર્યા નીચે દોડી આવ્યા હતા. જો કે આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ બપોરે આવેલ ૪.૩ આંચકાએ લોકોમાં ર૦૦૧ના ભુકંપની યાદ તાજી કરાવી હતી.