(એજન્સી) નવી દિલ્હી , તા.૧૩
રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં ચાલી રહેલી કોંગ્રેસ સરકાર પોતાના જ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટના કારણે સંકટમાં મૂકાઈ છે. મધ્ય પ્રદેશના કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિંયાની જેમ સચિન પાયલોટે પણ બળવો કર્યો છે. તેમણે પોતાની સાથે ૩૦ ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જો કે મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં સરકાર તોડવી સરળ નથી, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે સચિન ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે. સચિને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી પણ ભાજપે આવી કોઈ પણ ખાતરી આપવાનો ઈન્કાર કર્યો છે. અહેવાલ મુજબ ભાજપે સચિનને કહ્યું છે કે , પહેલા તે સરકારને ભોંય ભેગી કરે ત્યારબાદ કોઈ નિણર્ય લેવામાં આવશે. જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ માટે ગેહલોત સરકારને પાડવી ખૂબ મુશ્કેલ છે. ભાજપ અને કોંગ્રેસની બેઠોકો વચ્ચે ઘણું અંતર છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે ૧૦૭ બેઠોકો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ૩૦ ધારાસભ્યો રાજીનામું આપે તો જ રાજસ્થાનમાં ગેહલોત સરકાર તૂટી શકે છે. ભાજપની રાજસ્થાનમાં ૭૩ બેઠકો છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ ૨૦૦ બેઠોકો છે. બહુમત માટે ૧૦૧ બેઠકો જરૂરી છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં ભાજપ માટે કર્ણાટક કે મધ્ય પ્રદેશ જેવી સ્થિતિ નથી.પણ જો પોતાની સાથે ૩૦ ધારાસભ્યોનો ટેકો હોવાનો સચિનનો દાવો સાચો હોય તો રાજસ્થાનમાં કોંગ્રેસ માટે જરૂર સંકટ પેદા થઈ શકે છે. રાજસ્થાનમાં માયાવતીની પાર્ટીના ૬ ધારાસભ્યો છે. જેથી તેમની માટે હરખાવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.