(એજન્સી) ભોપાલ, તા.૧૨
ભોપાલના હમીદિયા હોસ્પિટલમાં વીજળી જવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીંયા વીજળી ગયા પછી વેન્ટિલેટર સપોર્ટ પર રહેલ ત્રણ કોરોના સંક્રમિત દર્દીઓનાં મોત નીપજ્યા હતા.
વીજળી ગયા પછી થોડીવાર પછી જ વેન્ટીલેટર બંધ થઇ ગયા હતા. આ હોસ્પિટલ ૧૦૦ વર્ષ જૂની છે. આ ઘટના પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે જે કોઈ પણ દોષિત હશે એમને માફ કરવામાં નહીં આવે. આ મામલે મેન્ટેનેન્સ એન્જીનીયરને બરતરફ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ તપાસના આદેશો આપ્યા હતા. મળતા અહેવાલો મુજબ જયારે વીજળી ગઈ હતી ત્યારે વેન્ટિલેટર પર ચાર દર્દીઓ હતા. ડોક્ટરોએ અંબુબેગથી ઓક્સિજન આપવા શરૂ કર્યું હતું પણ દર્દીઓની સ્થિતિ બગડવા લાગી હતી. મુખ્યમંત્રીએ મામલાની તપાસ કમિશનરની દેખરેખ હેઠળ કરાવવા આદેશો આપ્યા હતા. એમણે મોટી બેદરકારી જણાવતા ન્યાય અપાવવાની વાત કહી હતી. એમણે સાંજ સુધી રિપોર્ટ માંગ્યો હતો. લોકોએ જણાવ્યું કે હમીદિયા હોસ્પિટલમાં સવારે વીજળી જતી રહી હતી. જનરેટર ચલાવવામાં આવ્યું હતું પણ ૧૦ મિનિટ પછી એ પણ બંધ થઇ ગયું હતું. આ પછી ત્રણ દર્દીઓનાં મોત થઇ ગયા. ડીનને પણ આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. જોકે હમીદિયા હોસ્પિટલના વહીવટે કહ્યું કે વીજળી ગયા હોવાથી આ દુર્ઘટના નથી બની. એમણે કહ્યું કે વીજળી ગયા પછી જનરેટર ચાલુ થયું હતું પણ હવા મેળવવાના લીધે ૧૦ મિનિટમાં બંધ થઇ ગયું, વીજળી ગયા પછી આઈ.સી.યુ.માં હોબાળો મચી ગયો હતો. કોવિડ વોર્ડમાં ૧૧ દર્દીઓ હતા. એમાંથી ચાર વેન્ટિલેટર પર હતા. રાત્રે ૧૦ વાગે એક દર્દીનું મોત થયું અને એ પછી બે દર્દીઓના મોત થયા. ચારમાંથી ફક્ત એકને બચાવી શકાયો. આટલી મોટી હોસ્પિટલમાં જનરેટર કાર્યરત નહીં હોય એ મોટી ક્ષતિ છે. જોકે અધિકારીઓનું કહેવું છે કે જનરેટર ઓચિંતું બગડી ગયું હતું.
મધ્ય પ્રદેશ : ૧૦૦ વર્ષ જૂની હોસ્પિટલમાં વીજળી જવાથી ૩ દર્દીઓનાં મોત, કોરોના સંક્રમિત દર્દીઓ વેન્ટિલેટર પર હતા; દોષિતોને માફ કરવામાં નહીં આવે : મુખ્યમંત્રી

Recent Comments