(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
વડોદરા મહાનગરપાલિકાએ યસ બેંકમાં ડિપોઝિટ કરેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ર૬પ કરોડ રૂપિયા બે દિવસ પહેલાં જ ઉપાડી લીધા હતા અને બેંક ઓફ બરોડામાં ડિપોઝિટ કરી દીધા હતા. જો યસ બેંકમાંથી સમયસર ડિપોઝિટ ઉપાડી ન હોત તો સ્માર્ટ સિટીના કામ અટવાઈ ગયા હોત.
વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, પાલિકાએ યસ બેેંકમાં ર૬પ કરોડ ડિપોઝિટ કર્યા હતા. જો કે, એક જાગૃત નાગરિક દ્વારા અમને યસ બેંકની સ્થિતિ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું જેથી બે દિવસ પહેલાં બુધવારે ર૬પ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા અને બેંક ઓફ બરોડામાં ડિપોઝિટ કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાની હાલત આમ પણ કફોડી છે અને ર૬પ કરોડ રૂપિયા યસ બેંકમાં ફસાઈ ગયા હોત તો વધારે કફોડી બની જાત. આ ઉપરાંત સ્માર્ટ સિટીની રકમ હોવાથી સ્માર્ટ સિટીના કામો પણ અટવાઈ જવાની શક્યતા હતી.