(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
રાજ્ય હાલ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે રોજેરોજ પ૦૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ૩૦થી ૩પ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આવતીકાલે યોજાનાર રાજ્યસભાની અને આ વર્ષના અંતે યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા ૬ મહાનગરપાલિકાઓની હદ વિસ્તારમાં વધારો કરતું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષના અંતે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યની તમામ મહાનગરપાલિકામાં નવું સીમાંકન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ-ઘુમા, ચીલોડા-નરોડા, કઠવાડા, ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલસિયા, રણાસણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના ૭ ગામનો સમાવેશ કર્યો છે જેમાં ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગરપાલિકામાં એક નગરપાલિકા અને ૭ ગામ, ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧ નગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકામાં ૭ ગામ, સુરત મહાનગરપાલિકામાં ૨ નગરપાલિકા અને ૨૭ ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગરપાલિકામાં ૪ ગ્રામ પંચાયત, ભાવનગર મહાનગરપાલિકામાં ૧ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં પેથાપુર, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમાટિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ ગુડામાં આવતા તારાપુર, ઉવારસદ, ધોળાકુવા, ઈન્દ્રોડા, લવારપુર, શાહપુર, બસાણ ગામના કેટલાક વિસ્તારોને પણ ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપરનો સમાવેશ થાય છે. સુરત મનપામાં ર૭ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સચિન અને કનસાડ નગરપાલિકા ઉપરાંત સેગવા, સાંડલા, વાસવરી, ગોથણ, ઉમરા, ભારખાના કોસદ, પારડી ખંડે, તાલનપોર, પાલી, ઉબેર, ખાંડી ફળિયા, ભાઠા, ઈચ્છાપોર, ભેંસાણ ગ્રામ પંચાયતના પ વિસ્તારોનો સમાવેશ થાય છે.