(એજન્સી) તા.૨૫
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂકેલા પી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઝૂમ કોન્ફરન્સ વીડિયો કોલ દરમિયાન સરકાર દ્વારા હજારો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં પર તરાપ મારવાના સરકારના નિર્ણયને આકરા શબ્દોમાં વખોડ્યો હતો.
આ દરમિયાન શનિવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વીડિયોમાં કહ્યું હતું કે મને લાગે છે ત્યાં સુધી સરકારી કર્મચારીઓ પર બોજો વધારવાનો આ સમય નથી, આ નિર્ણય ખોટો છે, આર્મ્ડ ફોર્સના લોકો ઉપર પણ તકલીફ વધી જશે.
બે વખત વડાપ્રધાન રહી ચૂકેલાં ૮૭ વર્ષીય મનમોહન સિંહે કહ્યું હતું કે આ કપરાં સમયમાં મોંઘવારી ભથ્થું ગુમાવનારા સરકારી કર્મચારીઓની અમે પડખે છીએ. અમે તેમને ટેકો જાહેર કરીએ છીએ. જોકે બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ પણ આ પગલાને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ચાલી રહેલાં કેન્દ્રના બ્યૂરીફિકેશનને લગતા પ્રોજેક્ટોને કેમ અટકાવાતા નથી.
કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને પગલે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા પર રોક લગાવી દીધી છે. મોદી સરકારના આ નિર્ણય પર હવે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. મનમોહન સિંહે આ નિર્ણય પર અસહમતી દર્શાવતા જણાવ્યું કે, આવા સમયે સરકારે આ પગલુ ના ભરવું જોઈએ.
સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર જુલાઈ-૨૦૨૧ સુધી રોક લગાવવાના નિર્ણય પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જણાવ્યું કે, હાલના સંજોગોમાં સરકારી કર્મચારીઓ અને સશસ્ત્ર બળના લોકો પર આ આકરો નિર્ણય થોપવાની આવશ્યક્તા જ નથી. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી છે. સરકારના આ નિર્ણયની અસર ૫૪ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનધારકો પર પડશે. સરકારનો આ નિર્ણય કોરોના વાઈરસ મહામારીના પગલે લેવામાં આવ્યો છે. જેના કારણે સરકારી રેવન્યૂ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. નાણામંત્રી રહી ચૂકેલા પી.ચિદમ્બરમે પણ કહ્યું કે તમારે પહેલાં તો મોંઘેરા પ્રોજેક્ટો પર બ્રેક લગાવવાની જરૂર છે, બુલેટ ટ્રેન જેવા નકામા પ્રોજેક્ટ રોકવાની જરૂર છે ત્યાં તમે તો સરકારી અધિકારીઓના મોંઘવારી ભથ્થાં પર તરાપ મારી રહ્યાં છો, જે અયોગ્ય છે.