(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
વિધાનસભામાં આજે ગુજરાતમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાને લઇ પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજયના વનમંત્રી ગણપત વસાવાએ ભ્રષ્ટાચારની વાત કબૂલી હતી પરંતુ સાથે સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા વન અધિકારીઓ સહિતના કસૂરવારો સામે પગલા લેવાયા હોવાની જાહેરાત પણ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, મનરેગામાં બે કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર થયો હતો અને તેનો તપાસ રિપોર્ટ બે વર્ષ બાદ પણ આવ્યો ન હતો. આ કૌભાંડમાં નાના માણસો સામે કેસ થયા પરંતુ મોટા અધિકારીઓ કે કસૂરવારો સામે કોઇ પગલા લેવાયા નથી. તેમણે એવી દહેશત વ્યકત કરી હતી કે, જો આ કસૂરવારો સામે તાકીદે પગલા નહી લેવાય તો તેઓ પણ વિદેશ ભાગી જશે. જેથી વનમંત્રી ગણપત વસાવાએ પ્રત્યુત્તર વાળતાં જણાવ્યું કે, સરકાર આ મામલામાં જે કોઇ કસૂરવાર હશે, તેને છોડવાની નથી. ધરોઇ રેન્જમાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીમાં ગેરરીતિ સામે આવતાં સરકારે ત્રણ ફોરેસ્ટ ઓફિસરને સસ્પેન્ડ કર્યા હતા અને કલાસ વન અને કલાસ ટુના અધિકારીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવા તકેદારી આયોગને જાણ કરાઈ છે. એટલું જ નહી, આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઇ છે.