(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૪
વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્ર દરમ્યાન આજે ગરીબ મજૂરી કામ કરનારા માટેની કેન્દ્ર સરકારની ‘મનરેગા’ યોજના અંગેનો પ્રશ્ન વિપક્ષ કોંગ્રેસે ઉઠાવી સરકારને ભીંસવાનો પ્રયાસ કરતાં સરકારના સંબંધિત મંત્રીઓ યોગ્ય જવાબ આપવાને બદલે સરકારી વાહવાહી કરતાં અને તે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના વિભાગનો પ્રશ્ન ન હોવા છતાં ઉભા થઈને જવાબને બદલે કોંગ્રેસ સામે રાજકીય આક્ષેપો કરતાં ગૃહમાં ધાંધલ મચી જવા પામી હતી. ગરીબ મજૂરોને ત્રણ-ત્રણ માસથી મજૂરીના પૈસા મળતા ન હોવાની વિગતોને આધારે કોંગ્રેસે કેન્દ્રની તમારી ભાજપ સરકારની ગ્રાન્ટ કેટલા સમયથી બાકી હતી તેનો પ્રશ્ન કરતાં એક ક્ષણ માટે કૃષિ મંત્રીએ થોડું લેટ થઈ હોવાનો માત્ર સ્વીકાર કર્યો હતો પરંતુ સ્પષ્ટ જવાબ ત્રણ-ત્રણ મંત્રીઓએ આપ્યો ન હતો અને બીજી બધી વાતો કરી હતી.
વિધાનસભાની કાર્યવાહીના પ્રારંભે જ આજે પ્રશ્નોત્તરી કાળના પ્રથમ પ્રશ્નમાં જ કોંગ્રેસના ધારાસભ્ય જશપાલ પઢિયારના મનરેગા અંગેના પ્રશ્નના જવાબમાં સરકાર બરોબરની ભીંસમાં આવતા દરેક ક્રાઈસીસ વખતે સરકારની વ્હારે આવતા આખાબોલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉભા થઈને સરકારને બચાવની સ્થિતિમાંથી કોંગ્રેસ પર આક્ષેપોનો મારો ચલાવી આક્રમક સ્થિતિમાં લાવી દીધી હતી. કોંગ્રેસે કેન્દ્રમાં યુપીએની સરકાર વખતે અન્યાયની બૂમો પાડનાર ભાજપ સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ‘‘મોસાળમાં જમણવાર ને મા પીરસનારી તોય દીકરો ભૂખે મરે”ની જેમ કેન્દ્રમાં તમારી જ સરકાર હોવા છતાં મનરેગાની ગ્રાન્ટ લાંબા સમય સુધી ડયુ રહી ? કેન્દ્ર ગ્રાન્ટના અભાવે ગરીબ મજૂરોને મજૂરીના પૈસા માટે ઘણી રાહ જોવી પડી તો સરકાર તેનો જવાબ આપે ? કોંગ્રેસના આ પ્રશ્નના જવાબમાં પ્રથમ ગ્રામવિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ, તે પછી કૃષિ અને ગ્રામવિકાસ મંત્રી આર.સી.ફળદુએ જવાબોમાં ગોળ-ગોળ વિસ્તૃત વિગતો આપી પરંતુ પ્રશ્નનો ચોક્કસ સ્પષ્ટ જવાબ ના આપ્યો એક તબક્કે મંત્રીએ એટલું સ્વીકાર્યું કે, આ વખતે ગ્રાન્ટ થોડી લેટ થઈ હતી. જો કે પાછળથી ગુજરાત સરકારે નાણાં ફાળવતા મજૂરોને નાણાંની ચૂકવણી કરી દેવાઈ હોવાનું જવાબમાં જણાવ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યો અશ્વિન કોટવાલ, વિક્રમ માડમ, લલિત કગથરા વગેરેએ વારંવાર આ પ્રશ્ન ઉઠાવતા અંતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉભા થઈ જવાબ આપવાનું ચાલુ કર્યું પરંતુ તેમણે વડાપ્રધાન મોદીની સિદ્ધિઓ વર્ણવવા સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારોનો મારો ચલાવ્યો અને ગ્રાન્ટ લેટ થવા મુદ્દે હરફ સુદ્ધાં ના ઉચ્ચાર્યો. ના.મુખ્યમંત્રીના આક્ષેપો સામે કોંગ્રેસના સભ્યોએ પણ ઉભા થઈ પ્રતિ આક્ષેપો કરતાં ગૃહમાં હોહા સાથે ધાંધલ મચી જવા પામી હતી.
મનરેગામાં એક વર્ષમાં ૩ર લાખ ઓછી રોજગારી ઊભી કરાઈ
કેન્દ્રએ મનરેગામાં ગ્રાન્ટ ઘટાડી
ગાંધીનગર,તા.૪
વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રની પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા મનરેગા યોજના અંગેના પ્રશ્નનો જવાબ ગ્રામવિકાસ મંત્રીએ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મનરેગા યોજનામાં ૨૦૧૮માં ૪,૦૫,૦૬૪,૦૩ અને ૨૦૧૯માં ૩,૭૨,૮૮,૯૩૫ રોજગારી ઉભી કરવામાં આવી છે. એટલે કે વર્ષ ૨૦૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૯માં ૩૨,૧૭,૫૬૮ ઓછી રોજગારી ઉભી થઇ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં ગ્રાન્ટની ઓછી ફાળવણીના કારણે રાજ્યમાં ગરીબોને પૂરી પાડવામાં આવતી મજુરીમાં પણ કામ મૂકાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા નાણા ફાળવણી વધુ કરવાના બદલે નાણા ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ટ્રેક્ટર ખરીદીમાં પ૦ ટકાથી ઓછા ખેડૂતોને સહાય ચૂકવાઈ
વિપક્ષ દ્વારા ટ્રેક્ટર ખરીદીમાં સહાય/સબસીડી મેળવવા માટે આવેલી અરજીઓ અને સહાય અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ૧૮,૭૦૧ અરજીઓ ટ્રેક્ટર ખરીદીમાં સહાય/સબસીડી મેળવવા માટેની ખેડૂતોની અરજી પડતર છે. જ્યારે બે વર્ષમાં ૧,૧૦,૬૧૧ અરજીઓ મળી છે. જે પૈકી ૪૨,૫૩૩ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, જ્યારે ૪૯,૨૪૯ અરજીઓ એટલે કે ૫૦ ટકા કરતા ઓછા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે.
Recent Comments