(એજન્સી) તા.૮
મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોઈમેન્ટ ગેરેન્ટી એક્ટ (મનરેગા) એ ઉદ્દામવાદી અને તાર્કિક અને પદ્ધતિસર રીતે થયેલા પરિવર્તનનું જ્વલંત ઉદાહરણ છે.
તેને ઉદ્દામવાદી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે, તેનાથી દેશના સૌથી વધુ ગરીબ લોકોના હાથમાં સત્તા આવી છે અને તેઓને ભૂખમરાથી અને વંચિતતાથી મુક્ત થવા સક્ષમ બનાવે છે. તેને તાર્કિક એટલા માટે કહેવાય છે કેમ કે, તેના થકી એવા લોકોના હાથમાં સીધી નાણાં પહોેંચી જાય છે જેને તેની સૌથી વધુ જરૂર છે. આ યોજના જ્યારથી અમલમાં આવી છે ત્યારથી તેણે તેનું સાર્થકતા પૂરવાર કરી બતાવી છે. જે સરકારે ભૂતકાળમાં તેનું મહત્ત્વ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની મજાક ઉડાવી હતી તે સરકારને પણ આજે ખચકાતા-ખચકાતા તેનો આશરો લેવાની ફરજ પડી છે.
અગાઉની કોંગ્રેસ સરકારે જાહેર વિતરણ પ્રણાલીનો અમલ શરૂ કર્યા બાદ જ્યાં-જ્યાં મનરેગાનો અમલ કરાયો હતો ત્યાં સમાજના અત્યંત નબળા અને ગરીબ લોકોને તેણે ભૂખમરાથી અને વંચિતતાથી ઉગારી લીધા હતા. વિશેષ કરીને હાલ જ્યારે કોવિડ-૧૯ની મહામારી ચાલી રહી છે ત્યારે પણ તેણે ગરીબોને મદદ કરી છે. જો કે આપણે એ ભૂલવું જોઇએ નહીં કે સિવિલ સોસાયટીના વર્ષોના સંઘર્ષ બાદ લોકોએ ચલાવેલી ચળવળના પરિણામ સ્વરૂપ ૨૦૦૫ની સાલમાં કોંગ્રેસ સરકારે સપ્ટેમ્બર-૨૦૦૫માં સંસદમાં મનરેગા યોજનાને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું. કોંગ્રેસે તે સમયે લોકોની દાદ-ફરિયાદ સાંભળી હતી અને ૨૦૦૪ના અમારા ચૂંટણી ઢંઢેરામાં તેને અમારી કટિબદ્ધતા તરીકે જાહેર કરી હતી અને જે લોકોએ આ યોજના લાવવા ભારે દબાણ કર્યું હતું તે તમામ લોકોને આજે ગૌરવ થાય છે કે યુપીએની સરકારે જ્યારે શક્ય બન્યું કે તરત જ તેનો અમલ શરૂ કરી દીધો હતો.
કેન્દ્રની મોદી સરકારે આ યોજનાની મજાક ઉડાવી હતી અને વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણોમાં આ યોજના બદલ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને આ યોજના અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ યોજના તમારી નિષ્ફળતાનું જીવંત સ્મારક છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી આજદિન સુધીના વર્ષોમાં તેણે મનરેગા યોજનાનું ગળુ ઘોંટી દેવાનો અને તેનું મહત્ત્વ તદ્દન ઘટાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંસદમાં સરકારના વિપક્ષ, કોર્ટ અને સામાજિક કાર્યકર્તાઓના અથાક પ્રયાસો અને દબાણના પગલે સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. વડાપ્રધાન મોદીએ તેમની સૌથી વધુ પ્રિય એવી પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત યોજનાના દ્વારા મનરેગાને નવા વાઘા પહેરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં સરકારે આ યોજનાઓને સુધારા તરીકે ખપાવી તેને કાયદાનું સ્વરૂપ આપ્યું પરંતુ વાસ્તવિકતા તો એ હતી કે સરકારે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી યોજનાઓને છદ્મવેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત મનરેગા યોજના અંતર્ગત લોકોને કામ નથી આપવામાં આવતું અને કામ કરનાર લોકોને પગાર આપવામાં અવાર-નવાર વિલંબ કરવામાં આવે છે તે બાબત જુદી છે.
કોવિડ-૧૯ની મહામારી અને તેના દ્વારા સર્જાયેલી અભૂતપૂર્વ આર્થિક બેહાલીના પગલે મોદી સરકારને શીર્ષાસન કરવાની ફરજ પડી છે. ખાડે ગયેલા દેશના અર્થતંત્ર અને લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં મોદી સરકારને કોંગ્રેસની યુપીએ સરકારની મનરેગા યોજનાનો આશરો લેવાની ફરજ પડી છે.
મોદી સરકારને આ યોજના સાથે એક પ્રકારનો ગજગ્રાહ બંધાઈ ગયો છે પરંતુ હું સરકારને વિનંતી કરૂં છું કે, આ સમય રાજકારણ ખેલવાનો નથી. આ કોઈ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસનો મુદ્દો નથી. તમારી પાસે હાલ દેશની સઘળી સત્તા છે તેથી ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયેલા ગરીબ લોકોને મદદ કરવા આ યોજનાનો ઉપયોગ કરો.
આ યોજના પાછળનો આશંય તદ્દન સાદો છે, ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં કોઈપણ નાગરિકને કામ માંગવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો અને તે સાથે તેને સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન સાથે ૧૦૦ દિવસ કામ આપવાની ખાતરી આપવામાં આવી અને ટૂંક સમયમાં જે તે અત્યંત મૂલ્યવાન અને મહત્ત્વની યોજના પૂરવાર થઈ કેમ કે તેમાં કામ માંગવાનો અધિકાર, લોકો દ્વારા સામે ચાલીને કામ માંગવાની વૃત્તિ અને દેશમાં ગરીબી નાબૂદી કરવા જેવા ઉમદા આશયો રહેલા હતા. છેલ્લા ૧૫ વર્ષમાં આ યોજના દ્વારા લાખો લોકોને ભૂખમરાથી અને દરિદ્રતાથી બચાવી લેવાયા છે.
મહાત્મા ગાંધી કહેતાં હતા કે, જ્યારે મજાક કરનારા લોકો કોઈ ચળવળને દાબી દેવામાં નિષ્ફળ જાય ત્યારે સન્માન માંગવાની શરૂઆત થાય છે. સ્વતંત્ર ભારતમાં મનરેગા જેવું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોઇ શકે નહીં. સતામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીને પણ એમ લાગ્યું હતું કે, આ યોજના બંધ કરવી સહેજપણ વ્યવહારૂ નથી.