કાયદાઓ કિસાનોને કોર્પોરેટ્‌સની દયા પર જીવવા મજબૂર કરશે, સરકાર દ્વારા બનાવાયેલા કાયદા ગેરબંધારણીય અને મનસ્વી છે, આની સાથે કૃષિ ઉત્પાદનનો સંબંધ હોવાથી ખેતીનું વેપારીકરણનો માર્ગ મોકળો બનશે : ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ભાનુપ્રતાપ સિંહ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સરકારે સાથે અનેક ચરણની વાતચીત અને તાજેતરમાં મોકલેલા પ્રસ્તાવને ફગાવ્યા બાદ ખેડૂતોએ એકતરફ આંદોલનને વેગ આપવાનો નિર્ણય કર્યો છે તો બીજીતરફ ન્યાયિક રીતે પણ સરકારને પડકારવાનું મન મક્કમ બનાવ્યું છે. ખેડૂતો સંગઠન ભારતીય કિસાન યુનિયને જણાવ્યું છે કે નવા કાયદાથી કોર્પોરેટ કંપનીઓની લાલચ સામે તેઓ લાચાર બનીને રહી જશે. કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું કે, કેન્દ્ર કાયદાની એ જોગવાઈમાં સંશોધન કરવાની તૈયાર છે જેને લઈને ખેડૂતોએ વાંધો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કેન્દ્રે મિનિમમ સપોર્ટ પ્રાઈસ પર લેખિતમાં પણ આપવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે,ખેડૂતો ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ભારતીય કિસાન યુનિયન તરફથી ડીએમકેના સાંસદ તિરૂચી સિવા દ્વારા દાખલ કરાઇ છે. સંગઠનના પ્રમુખ ભાનુપ્રતાપ સિંહ વતી અરજદારે કહ્યું છે કે, સરકાર તરફથી અમારા પ્રતિનિધિઓને કોઇ પ્રતિક્રિયા ન અપાયા બાદ અમે અરજી કરવા મજબૂર બન્યા છે. આ અરજીમાં ત્રણ નવા કાયદાઓ ખેડૂતોના સશક્તિકરણ અને સુરક્ષા અંગેના પ્રાઇસ એસ્યોરન્સ અને કૃષિ સેવા એક્ટ ૨૦૨૦, ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એક્ટ ૨૦૨૦, અને જરૂરી વસ્તુ એક્ટ ૨૦૨૦ કાયદાઓને પડકારાયા છે. અરજીમાં ભારપૂર્વક જણાવાયું છે કે, આ કાયદાઓ ગેરબંધારણીય અને મનસ્વી છે કારણ કે, તે ખેતપેદાશોનું વેપારીકરણ કરશે અને તેને પરવાનગી અપાશે તો અમે સંપૂર્ણપણે કોર્પોરેટ્‌સના નેજા હેઠળ આવીને બરબાદ થઇ જઇશું. અરજીમાં એવું પણ જણાવાયું છે કે, કાયદાઓને કારણે ખેડૂતો કોર્પોરેટ્‌સની લાલચ હેઠળ તેમની દયા પર જીવવા લાચાર બનશે અને એપીએમસી સિસ્ટમ નાબૂદ કરવાથી ખેડૂતોને પાકની યોગ્ય કિંમત નહીં મળે. અરજીમાં એવું પણ કહેવાયું કે, કોઇપણ ચર્ચા વિના એકતરફી રીતે કાયદાઓ લાગુ કરાયા છે અને સમાંતર માર્કેટ આપવાથી ખેડૂતો બરબાદ થઇ જશે. ખેડૂત સંગઠને એવું પણ કહ્યું કે, કોર્પોરેટ્‌સ ક્ષેત્રને છૂટોદોર આપવાથી ખેડૂત સમુદાય મલ્ટીનેશનલ કંપનીઓની દયા પર આધારિત થઇ જશે અને જ્યારે કુદરતી આફતોને કારણે ગરીબ ખેડૂતો મુશ્કેલીમાં આવશે ત્યારે વધારે નફો કરતી કંપનીઓ તેમની વહારે નહીં આવે. અરજીમાં ખેડૂત કમિશન બનાવવાની માગણી પણ કરવામાં આવી છે જેમાં તમામ સભ્યો ખેડૂત સમુદાયના હોવા જોઇએ જેમાં કમિશનના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. સાથે જ ખેડૂતોના પાકની કિંમત પણ કમિશન નક્કી કરશે. ખેડૂત સંગઠનનું આ પગલું ત્યારે સામે આવ્યું છે જ્યારે સરકારે દેખાવો કરી રહેલા ખેડૂતો સાથે ખુલ્લામને ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે પરંતુ ખેડૂત સંગઠનો ત્રણેય કાળા કાયદા નાબૂદ કરવાની એક જ માગ પર અડગ રહ્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, ખેડૂતોએ આંદોલનને ઉગ્ર બનાવવા આગામી સમયમાં રસ્તાઓ બાદ રેલવે ટ્રેક પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે તારીખો હવે જાહેર કરાશે. દિલ્હીમાં એક પખવાડિયાથી વિરોધ કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું છે કે ૧૪ ડિસેમ્બરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શ કરશે અને ૧૨ ડિસેમ્બરથી દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પણ બ્લોક કરી દેશે.