(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ્‌ના પુત્ર કાર્તિ ચીદંબરમની ભ્રષ્ટાચારના એક કેસમાં ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. કાર્તિને પૂછપરછ માટે નવી દિલ્હીના સીબીઆઈ મુખ્યાલય લાવવામાં આવ્યાં. ૪૬ વર્ષીય કારોબારી કાર્તિ પર વિદેશી રોકાણકારો માટે મંજૂરી મેળવવા માટે ટેલિવિઝન કંપની આઈએનએક્ષ મીડિયાને સહાય કરવા માટે લાંચ લેવાનો આરોપ છે. સૂત્રોએ કહ્યું કે સીબીઆઈએ આશંકા છે કે પોતાની કંપની દ્વારા કાર્તિને ૩.૫ કરોડની લાંચ મળી હોવાની સંભાવના છે.સીબીઆઈએ કાર્તિ સામે નવો કેસ દાખલ કરવાનું જણાવ્યું છે. જોકે કાર્તિ ચિદમ્બરમે કંઈ પણ ખોટું કર્યું હોવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસે ભાજપની આગેવાની વાળી મોદી સરકાર પર બદલાની ભાવનાથી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
૧૦ મુદ્દાઓ
૧. કાર્તિ ચિદમ્બરમ્‌ને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં અને તપાસનીશ અધિકારીઓએ તેમની પૂછપરછ કરી. સીનિયર વકીલ અને કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં તેમનો કેસ લડશે. લંડનમાંથી પરત ફરનાર કાર્તિની એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી.
૨. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકારની પોતાનું ભ્રષ્ટ સુશાસન મોડલ છૂપાવવા માટે આ વિભાજનકારી યુક્તિ-પ્રયુક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
૩. ભાજપના પ્રવક્તા સંદિપ પાત્રાએ કહ્યું કે આ કાયદો છે, કોઈ બદલાથી ભાવનાની કાર્યવાહી નથી કરવામાં આવી. જો ભ્રષ્ટચારીઓની જેલને સજા કરવામાં આવતી હોય અને કાયદો તેનું કામ કરી રહ્યો હોય તો પછી કોઈ રાજકીય પાર્ટીએ શા માટે બુમરાણ મચાવવી જોઈએ તેવું મને કોઈ કારણ લાગતું નથી.
૪. કાર્તિ ચિદમ્બરમ્‌ પર ૨૦૦૭ માં વિદેશી રોકાણને મંજૂરી આપવા માટે લાંચ સ્વીકારવાનો આરોપ છે.
૫. સીબીઆઈએ એવી પણ વાત કરી છે કે કરચોરીની તપાસને આડે પાટે ચડાવવા માટે કાર્તિને આઈએનએક્ષ તરફથી લાંચ મળી હતી.
૬. ગત અઠવાડિયે ચિદમ્બરમ્‌મે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કહ્યું હતું ભાજપની આગેવાની વાળી મોદી સરકારનું સાચુ નિશાન તેઓ પોતે જ છે.
૭. ગત વર્ષના મે મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કાર્તિ ચિદમ્બરમ્‌ની સામે કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ બીજો એક કેસ અલગથી દાખલ કર્યો હતો.
૮.કાર્તિની સામે લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી હતી કારણ કે એજન્સીઓને સંદેહ હતો કે કાર્તિ વિદેશ જઈને બેન્ક ખાતાઓ બંધ કરાવી શકે છે.
૯. નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે કાર્તિને બ્રિટનમાંતેમની પુત્રીના એડમિશન માટે જવાની મંજૂરી આપી હતી.
૧૦. સંસદના બીજા અડધા સત્રના પ્રારંભ ટાણે કાર્તિની ધરપકડ કરવામાં આવી છે. પીએનબી કૌભાંડ પર વિપક્ષી હુમલાને ખાળવા માટે સરકારે તૈયારી આદરી છે.