નવી દિલ્હી, તા.ર૭
ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ પોતાના મર્હૂમ પિતા તૌસીફઅલી માટે સોશિયલ મીડિયા ઉપર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. પિતાની ચોથી વરસી પર તેમને યાદ કરતા એક તસવીર પણ પોસ્ટ કરી છે. મોહમ્મદ શમીને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી. મો. શમીને તેમનો હંમેશા સપોર્ટ રહ્યો. શમીએ પોતાની પોસ્ટમાં આ બધી વાતો લખી છે. તેણે પિતાની હોસ્પિટલવાળી તસવીર શેર કરતા લખ્યું છે કે, દુનિયાને અલવિદા કહેવાને તમને ચાર વર્ષ થઈ ગયા પણ મારી ઈચ્છા છે કે, હું તમને એકવાર ફરી જોઈ શકું. ટીમ ઈન્ડિયાના આ બોલરે લખ્યું મને ખબર છે, આ સંભવ નથી. હું જાણું છું તમે મારા આંસુઓને અનુભવી શકો છો અને તમે નહીં ઈચ્છો કે હું રડું. હું તમને ઘણા મીસ કરૂં છું અને સૌભાગ્યશાળી છું કે, તમે મારા પિતા છો, તમને ખૂબ જ વધારે મીસ કરૂં છું.