(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
મંદિરોના દર્શનને કારણે હિન્દુત્વ પ્રત્યે નરમ વલણના આરોપનો સામનો કરી રહેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ધાર્મિક સ્થળો પર તેમની મુલાકાતો ચાલુ રહેશે. રાહુલે જણાવ્યું કે એમને ધાર્મિક સ્થળોની મુલાકાતે જવું ગમે છે. તેઓ જ્યાં પણ ધાર્મિક સ્થળ જુએ છે ત્યાં દર્શન કરવા જાય છે. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે એમને ધાર્મિક સ્થળોની મુલાકાતથી સારું લાગે છે અને ખુશી મળે છે અને તેઓ એમ કરતા રહેશે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના ચાર દિવસીય મુલાકાતે પહોંચેલ રાહુલ પર રાજ્યના ભાજપ અધ્યક્ષ બીએસ યેદિરપ્પાએ આરોપ મૂકતા કહ્યું હતું કે, ચૂંટણીલક્ષી હિન્દુ રાહુલ ગાંધીનું બેલ્લારીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ કર્ણાટકમાં કોંગ્રેસમુક્ત કર્ણાટકનું એમનું સપનું સાકાર કરશે. રાહુલે યેદિરપ્પાના આ આરોપના જવાબ આપતા કહ્યું કે, તેમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી ગમે છે અને તેઓ આગળ પણ આવી મુલાકાત કરતા રહેશે. રાહુલે દેવી હુલિગમ્માના મંદિર, ગવિ સિદ્ધેશ્વર મઠના દર્શન કર્યા અને રાયચૂર જિલ્લામાં એક દરગાહની મુલાકાત પણ લીધી હતી.