(એજન્સી) હૈદરાબાદ,તા.૧૬
અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ પણ એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે તેમને તેમની મસ્જિદ પરત જોઈએ છે. એક ટ્‌વીટ કરીને તેણે લખ્યું કે મને મારી મસ્જિદ પરત જોઈએ છે. એક ઇન્ટરવ્યૂની લિન્ક પણ શેર કરી હતી. આ સમાચારની હેડલાઈનમાં ઓવૈસીનું નિવેદન હતું કે ‘હું એ દરેક ચીજ વસ્તુઓનો વિરોધ કરીશ કે જે ભારતના બંધારણ અને ભારતની વિભિન્નતાની વિરોધમાં હશે.’
ગયા અઠવાડિયે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કહ્યું કે તેઓ આ ચુકાદાથી ખુશ નથી. તેમણે આ સાથે જ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાની વાતનો પણ અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મસ્જિદ બનાવવા માટે અમે ભીખ રૂપે જમીન ન લઈ શકીએ.