અમદાવાદ, તા.૭
વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રવિણ તોગડિયાની કારને ટ્રકે ટક્કર મારતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે પ્રવિણ તોગડિયાએ સુરતમાં એક પત્રકાર પરિષદ યોજી. મોદી કે ભાજપનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે જે લોકો મને હિન્દુ સંગઠનમાંથી હટાવી શકતા નથી તે લોકો હવે બીજો રસ્તો અપનાવી રહ્યા છે.
તોગડિયાએ સુરતમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આશંકા વ્યક્ત કરી હતી કે સુરક્ષા માટે પોલીસને લેખિતમાં જાણ કરવા છતાં તેમના કાફલામાંથી એસ્કોર્ટ કાર સુરત પહેલાં હટી ગઈ હતી તો આવું શું કામ થયું ? તેની એજન્સી પાસે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ડો. તોગડિયાએ મોદી અને ભાજપ સામે આડકતરૂં નિશાન સાધીને એમ કહ્યું હતું કે ટ્રિપલ તલાક માટે હિન્દુઓએ વોટ નહોતા આપ્યા, રામ મંદિર માટે આપ્યા હતા અને રામ મંદિર માટે સંસદમાં કાનૂન બનાવવાની મારી વાત કેટલાકને ખટકી રહી છે.
ડો. પ્રવિણ તોગડિયા સોમવારે વડોદરાથી સુરત આવી રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો કાર કામરેજ પાસે આવેલી મનિષા હોટલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ખેડાથી કોકોકોલા લઈને આવી રહેલી ટ્રક પાછળથી તેમની સ્કોર્પિયો સાથે ટકરાઈ હતી. કાર ફંગોળાઈ અને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. કારમાં બેઠેલા તોગડિયા, ડ્રાઈવર, બે વીએચપીના કાર્યકર અને એક પોલીસ એમ પાંચ લોકોનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં તોગડિયાને બીજી કારમાં સુરત લવાયા હતા.
ડો.તોગડિયાએ વધુમાં કહ્યું હતું કે મંગળવારે સાંજે પોલીસને વડોદરાથી સુરતના કાર્યક્રમ માટે લેખિતમાં વીએચપી તરફથી સૂચના આપવામાં આવી હતી છતાં ઝેડ પ્લસ સુરક્ષા માટે જે ૩ ગાડીઓનો કાફલો મળવો જોઈતો હતો તે ન મળ્યો. વડોદરાથી સુરત આવી રહ્યો હતો ત્યારે ભરૂચ સુધી આગળ એક પાયલોટ કાર અને પાછળ એક એસ્કોર્ટ કાર હતી, પણ સુરતના કારેજ પાસે આવ્યા ત્યારે માત્ર પાયલોટ કાર જ આગળ ચાલતી હતી અને પાછળની એસ્કોર્ટ કાર નહોતી. કામરેજ પાસે ટ્રકના ડ્રાઈવરે અમારી કાર સાથે ટ્રક અથડાવી ત્યારે કારના ડ્રાઈવરે સાયરન વગાડ્યું છતાં ટ્રકના ડ્રાઈવરે બ્રેક ન મારી. અમારી કાર ફંગોળાઈ અને ડિવાઈડર સાથે ભટકાઈ તે પછી પણ ટ્રકના ડ્રાઈવરે બ્રેક ન મારી. ભગવાનની કૃપાથી બચી ગયા ટ્રક ડ્રાઈવરનો હેતુ કંઈ જુદો જ હતો. મેં પોલીસને કહ્યું છે કે ટ્રક ડ્રાઈવરનું લાયસન્સ અને તેના ફોનની છેલ્લા ૩ મહિનાની કોલ ડિટેલ ચેક કરવામાં આવે. ઉપરાંત ઝેડ પ્લસ સુરક્ષામાં કોના કહેવાથી ચૂક રહી ગઈ તેની એજન્સી પાસે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.