ભગવા પાર્ટી આંબેડકર કરતાં મોદી મહાન હોવાનું લોકોને સમજાવે છે, ગુજરાતના સ્ટેડિયમને મોદીનું નામ આપી દેવાયું તેવી જ રીતે એક દિવસ તેઓ દેશનું નામ પણ બદલી નાખશે : મમતા બેનરજી

(એજન્સી) કોલકાતા, તા. ૨૨
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ભાજપ પર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલાં મફત રાશન પૂરો પાડવાનો વાયદો કરવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું કે, ભગવા પાર્ટી ક્યારેય તેને પૂરો નહીં કરે. બાંકુરામાં એક સભાને સંબોધતા તેમણે ભાજપને બહારની પાર્ટી ગણાવી હતી અને આરોપ મુક્યો હતો કે, તે રાજ્યમાં આતંક મચાવવા માટે ગુંડાઓ મોકલી રહ્યો છે. મમતા બેનરજીએ કહ્યું કે, ભાજપ મફત રાશન પુરવઠાનો ખોટો વાયદો કરી રહ્યો છે. તે તેને ક્યારેય પૂરો કરી શકશે નહીં. સભા દરમિયાન ટીએમસી સુપ્રીમોએ કહ્યું કે, ‘‘ભાજપના ગુંડાઓ તમારા ઘરે આવશે અને તેમની પાર્ટી માટે વોટ માગશે. જો તેઓ તમને ધમકાવે તો ઘરનો સામાન લઇને તેમને ભગાડવા માટે તૈયાર રહેજો.’’ મહિલાઓએ શું ખાવું અને શું પહેરવું તેના પર આપખુદશાહી ચલાવવાનો આરોપ મુકતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ તમને એવું વિચારવાનું કહે છે કે, નરેન્દ્ર મોદી બીઆર આંબેડકરથી પણ મોટા છે. શું તમે જોયું કે, કેવી રીતે ગુજરાતના સ્ટેડિયમને મોદીનું નામ આપી દેવાયું છે? એક દિવસ તેઓ દેશનું નામ પણ બદલી દેશે. તેઓ સરકારી કંપનીઓને ખાનગી લોકોને વેચી રહ્યા છે. કોંગ્રેસ અને ડાબેરીઓએ ભાજપ સાથે હાથ મિલાવી લીધા હોવાનો આરોપ લગાવતાં બેનરજીએ કહ્યું કે, સીપીએમને ગુંડાઓએ કોટુલપુર, ચોમકૈટાલા, જૈરામબાતી વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો જ્યારે હું વિપક્ષમાં હતી. તેઓએ મારા પર હુમલા કર્યા હતા અને હવે ભાજપ સાથે મળી ગયા છે.