(એજન્સી) કોલકાતા, તા.૧૬
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજીવિકાની પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થવા માટે ગાઇડલાઇન્સ જારી કર્યાના કલાકોમાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ૨૦મી એપ્રિલથી વધારાની આર્થિક પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવશે. મમતા બેનરજીએ નબન્નામાં બપોરે જણાવ્યું કે અમે કેટલીક વધારાની પ્રવૃત્તિઓની પરવાનગી આપી રહ્યા છીએ… આ પ્રવૃત્તિઓ માટે યોગ્ય સેનિટાઇઝેશનની સુવિધાઓ, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત હશે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ મહામારી માટે દેશના હોટસ્પોટ જાહેર કરવામાં આવેલા જિલ્લાઓમાં ચાર જિલ્લા પશ્ચિમ બંગાળના છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રાહતો હોટસ્પોટ્‌સને લાગુ થશે નહીં. દરમિયાન, રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સથી મમતા બેનરજીને રાહત થઇ છે. મમતા બેનરજીને આ ગાઇડલાઇન્સ સર્વગ્રાહી અને લોકડાઉન દરમિયાન રાજ્યના અર્થતંત્રને ધબકતું રાખવા માટે અનુકૂળ જણાઇ છે. એક અધિકારીએ જણાવ્યું કે સરકાર રાજ્યમાં લગભગ ૭ કરોડ લોકોને સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે રાશન આપશે પરંતુ લોકોને રોકડની જરૂર છે. જો આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઇ જશે તો ગ્રામીણ લોકોને થોડાક નાણા કમાવવાની તક મળી જશે.