મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીના કોલકાતા પ્રવાસ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતિની ઉજવણીનો ડોળ કરવા સામે વડાપ્રધાન મોદીને આડેહાથ લેતા કહ્યું હતું કે અમે ફક્ત ચૂંટણી ટાણે જ નેતાજીના જન્મદિવસની ઉજવણી નથી કરતા. તેમણે કહ્યું કે ભગવાધારી ભાજપ ફક્ત ચૂંટણી ટાણે જ નેતાજીને યાદ કરવા આવી ગયો છે. અગાઉ તેને ક્યારેય નેતાજીની યાદ નહોતી આવી. તૃણમૂલ વડા મમતાએ કહ્યું કે અમે આખા વર્ષ દરમિયાન નેતાજીને યાદ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે મમતા અને તૃણમૂલના નેતાઓએ પીએમ મોદીના પ્રવાસ પહેલા ૭ કિમીનો મોટો સરઘસ કાઢ્યો હતો. આ સરઘસ શ્યામ બજારથી શરૂ થઈને નેતાજીના સ્ટેચ્યૂ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન મમતાએ કહ્યું હતું કે ભારતને આઝાદી અપાવવા નેતાજીએ યુદ્ધ છંછેડ્યું હતું અને તેમને દરેક ધર્મ અને સમુદાયના લોકોએ ટેકો આપ્યો હતો. તેઓ દરેક ધર્મના લોકો વચ્ચે એકતા સ્થાપિત કરવા માટે આદર્શ મનાય છે. તેમણે કહ્યું કે ભારત કોઈ એક દેશ એક રાજકીય પક્ષ નથી. તેમણે કહ્યું કે અમે આઝાદ હિન્દુ મોન્યુમેન્ટની સ્થાપના કરી. તેઓ હજારો રૂપિયા ફક્ત સંસદની ઈમારતો બાંધવા ખર્ચી રહ્યા છે પણ તેમની પાસે નેતાજી માટે મેમોરિયલ સ્થાપિત કરવા પૈસા કે સમય બંને જ નથી.