(એજન્સી) તા.૧૦
પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જીવન જરુરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના વધતાં જતાં ભાવમાં ઘટાડો લાવવા, સંગ્રહખોરીને નિયંત્રિત કરવા અને પુરવઠો વધારવા માટે કેન્દ્ર સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માગણી કરી છે. તેમણે ખાસ કરીને ડુંગળી, બટાકા જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વડા પ્રધાન મોદીને અપીલ કરી છે. મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને પત્રમાં જણાવ્યું છે કે આવશ્યક ચીજવસ્તુ ધારામાં કરાયેલા સુધારા ચીજવસ્તુઓની સંગ્રહખોરી અને નફાખોરીને પ્રોત્સાહિત કરે છે જેના કારણે આવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. મમતા બેનરજીએ એવી માગણી કરી છે કે આપ તાકિદે દરમિયાનગીરી કરો એવી હું માગણી કરી છું કારણ કે રાજ્ય સરકારની આ સત્તાઓ આંચકી લેવામાં આવી છે અને તેઓ સામાન્ય જનતાની મુશ્કેલીઓને જોઇને મૂક પ્રેક્ષક બનીને બેસી રહી શકે નહીં, કારણ કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવોમાં અસાધારણ વધારો થયો છે. મમતા બેનરજીએ એવી પણ માગણી કરી છે કે કેન્દ્ર આ ભાવ સંકટ નિવારવા કાંતો હસ્તક્ષેપ કરે અથવા ઉત્પાદન અને પુરવઠાને નિંયત્રીત કરવા માટેની સત્તાઓ રાજ્યને ફરીથી આપે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હું કેન્દ્ર સરકારને સંગ્રહખોરીને નિયંત્રીત કરવા, પુરવઠાને વધારવા અને આવશ્યક ચીજવસ્તુઓના વધતાં જતાં ભાવોને ઘટડાવા માટે તાત્કાલિક પગલા લેવા અનુરોધ કરુ છું, કારણકે જાહેર જનતા ખૂબ જ સંકટનો સામનો કરી રહી છે.