(એજન્સી) કોલકાતા, તા.૨૦
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ રાજ્યોમાં લોકડાઉનના નિયમોના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે ૬ ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ્સ (આઇએમસીટીએસ)ની રચના પાછળના તાર્કિક આધાર જાણવા માગ્યું છે. મમતા બેનરજીએ લોકડાઉનના મૂલ્યાંકનના માપદંડ શેર કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અરજ કરી છે અને જણાવ્યું કે આ માપદંડ વિશે જાણ્યા વગર તેમની સરકાર આગળ વધી શકશે નહીં. મમતા બેનરજીએ એવું ટિ્‌વટ કર્યું કે કોવિડ-૧૯ કટોકટીને પહોંચી વળવામાં બધા રચનાત્મક સમર્થન અને સૂચનોમાં ખાસ કરીને કેન્દ્ર સરકારના સૂચનોને અમે આવકારીશું. જોકે, તેમણે એવું પણ કહ્યું કે ૨૦૦૫ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લા સહિત સમગ્ર ભારતના જિલ્લાઓ પસંદ કરવામાં આઇએમસીટીએસ તૈનાત કરવાની કેન્દ્ર વિચારણા કરી રહ્યું છે તેનો આધાર અસ્પષ્ટ છે. તેના માટે ઉપયોગ કરવામાં આવેલા માપદંડ શેર કરવાની હું પીએમ મોદીજી અને ગૃહ પ્રધાન અમિત શાહજીને અરજ કરૂં છું. કેન્દ્રે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિનું સ્થળ પર જ મૂલ્યાંકન કરવા માટે ૬ આઇએમસીટીએસની રચના કરી છે.