(એજન્સી) તા.૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે ૧૪ વર્ષ પહેલાં તેમણે કરેલી ભૂખ હડતાળને યાદ કરી હતી. તાજેતરમાં કૃષિ બિલ વિરુદ્ધ દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા દેખાવો પરથી તેમણે આ ભૂખ હડતાળની યાદ આવી ગઈ હતી. બળજબરીપૂર્વક ખેડૂતોની જમીન સંપાદન વિરુદ્ધ ૨૦૦૬માં મમતા બેનરજીએ ૨૬ દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. આ દેખાવો સિંગુર ખાતે કરવામાં આવ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સરકાર હતી. મમતા બેનરજીએ હાલમાં ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છે કે ખેડૂતોના અધિકારો હવે કોર્પોરેટ ઘરાનાઓને વેચી દેવામાં આવી રહ્યા છે. પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલર પર તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે ૧૪ વર્ષ પૂર્વે ૪ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ હું પણ કોલકાતામાં ૨૬ દિવસ સુધી ભૂખ હડતાળ પર રહી હતી. હું ત્યારે ખેતી લાયક જમીનનું બળજબરીપૂર્વક સંપાદનનો વિરોધ કરી રહી હતી. હું ત્યારે પણ ખેડૂતોની પડખે હતી અને આજે પણ છું. હું આવા કાળા કાયદાઓને સહન નહીં કરું અને અમારી પાર્ટી ખેડૂતોની પડખે હંમેશા ઊભી રહેશે. મમતા બેનરજીએ શુક્રવારે કેન્દ્ર સરકારને પણ ચેતવણી આપી હતી કે જો ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચી નહીં લેવામાં આવે તો તૃણમૂલ કોંગ્રેસ આખા દેશમાં મોટાપાયે કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવોનું આયોજન કરશે.