જંગલમહાલ વિસ્તારમાં હાથીઓના હુમલાના કારણે મૃત્યુ પામનારા લોકોના સ્વજનોને પણ સરકારી નોકરી આપવામાં આવશે : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી

(એજન્સી) તા.૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે જાહેરાત કરી હતી કે રાજ્યના મંગલમહાલ વિસ્તારમાં થયેલી માઓવાદી હિંસામાં મૃત્યુ પામનારા અથવા તો ગુમ થનારા લોકોનાં સ્વજનોને સરકારી નોકરી અને નાણાકીય સહાયતા આપવામાં આવશે. આ ઉપરાંત જંગલી પશુઓના આક્રમણને કારણે મૃત્યુ પામનારા લોકોના સ્વજનોને પણ સરકારી નોકરી આપવામાં આવશે. મમતા બેનરજીએ કહ્યું હતું કે માઓવાદી હિંસામાં સ્વજન ગુમાવનાર દરેક પરિવારને રૂા.૪ લાખનું નાણાકીય વળતર તેમજ પરિવારના એક સભ્યને રાજ્યની હોમગાર્ડ ફોર્સમાં નોકરી આપવામાં આવશે. જો આ હિંસાના કારણે પરિવારનો કોઈ સભ્ય દસ વર્ષ કરતાં વધુ સમયથી ગુમ હોય તો તે પરિવારને પણ આ પ્રકારનો જ લાભ આપવામાં આવશે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં હાથીઓના હુમલાના કારણે જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારમાંથી એક સભ્યને પણ નોકરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જંગલમહાલના આદિવાસી વિસ્તારમાં પશ્ચિમ મિદનાપોર, પુરૂલિયા, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓ આવેલા છે. આ વિસ્તાર ર૦૦૮થી ર૦૧ર દરમ્યાન માઓવાદી હિંસાનો ભોગ બન્યો હતો.