(એજન્સી) તા.ર૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જોઈન્ટ એન્ટ્રન્સ એકઝમ (જેઈઈ) અને નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની મોકૂફ રાખવામાં આવે. સોમવારે શ્રેણીબદ્ધ ટવીટ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે થયેલી વીડિયો કોન્ફરન્સ દરમ્યાન મેં નિખાલસતાથી આ મુદ્દા પર મારા વિચારો રજૂ કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન મોદી સાથે થયેલી અમારી વીડિયો કોન્ફરન્સ દરમ્યાન મેં સપ્ટેમ્બરના અંત સુધી યુનિવર્સિટી કોલેજોમાં ફરજિયાત પણે પરીક્ષાઓનું આયોજન કરવાના યુજીસીના દિશા નિર્દેશો અંગે નિખાલસતાથી મારા વિચારો રજૂ કર્યા હતા. આ પરીક્ષાઓના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાવવાની સંભાવના ખુબ જ વધારે છે. મમતા બેનરજીએ આ જોખમની સમીક્ષા કરવાની તેમજ પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી પરીક્ષાઓ મોકૂફ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બધા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું એ આપણી ફરજ છે. ઉલ્લેખનીય છે કે જેઈઈ (મેઈન) ૧થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન અને જેઈઈ (એડવાન્સ) ર૭ સપ્ટેમ્બરે યોજાવવાની છે. જયારે નીટની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરે યોજાશે.