(એજન્સી) તા.૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે તેઓ કોવિડ-૧૯ના સંકટ વચ્ચે તમામ પ્રવાસી શ્રમિકને ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ સહાય કરે. તેમણે કહ્યું કે, ભલે આ વન ટાઈમ હોય પણ જરૂરી છે.
એક ટિ્‌વટના માધ્યમથી તેમણે કહ્યું કે અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલા પ્રવાસી શ્રમિકોને મદદરૂપ થવાના હેતુસર અને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે અને લૉકડાઉનમાં તેઓ તેમનો જીવન સારી રીતે જીવી શકે તે હેતુસર આ નાણાંકીય સહાય કરવી અત્યંત જરૂરી છે.
બેનરજીએ વધુમાં ભલામણ કરી હતી કે વડાપ્રધાન સિટિઝન આસિસ્ટન્સ તથા પીએમ કેર્સ એટલે કે રિલીફ ઈન ઈમરજન્સી સિચ્યુએશન ફંડનો આ હેતુસર ઉપયોગ કરવો અત્યંત જરૂરી બની ગયું છે.
તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં મહામારીને કારણે લાગુ લૉકડાઉન લોકો માટે મોટી મુશ્કેલી બની ગયું છે. લોકો ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તે દરેક પ્રવાસી શ્રમિકના ખાતામાં ૧૦૦૦૦ રૂપિયાની રોકડ સહાય પહોંચાડે. આ મદદ ભલે એક જ વખત કરવામાં આવે.
તેમણે કહ્યું કે અસંગઠિત ક્ષેત્રના પ્રવાસી શ્રમિકોને આ મદદ મળવી ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે હવે દેશભરમાં લૉકડાઉન ખૂલવાની શરૂઆત થઇ ચૂકી છે. જનજીવન ફરે પાટે ચઢવા લાગ્યું છે.