(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સંગીત ઉત્સવ ખુલ્લો મુકયો હતો. તેમણે આ ઉત્સવમાં ડાન્સ પણ કર્યો હતો. મમતાએ છેલ્લા ચાર માસથી જારી પ્રચારના ભરચક કાર્યક્રમમાંથી થોડી હળવાશની ક્ષણો વિતાવી હતી. ભાજપ સાથે ભાથ ભિડવામાંથી થોડો સમય કાઢી તેમણે આ ઉત્સવમાં ઘણાં લોક કલાકારોનું સન્માન કર્યું હતું. તેમણે સંગીતકારો, ગાયકો અને ડાન્સરોનું સન્માન કર્યું હતું. મમતાએ નૃત્યાંગના બંસતી હેમબ્રમનું સન્માન કરતાં તેમણે મમતાને ડાન્સના કેટલાક સ્ટેપ કરવા વિનંતી કરી હતી. જેથી કોઈએ સંગીતકારને બોલાવ્યા હતા અને ત્યારબાદ મમતાએ નૃત્ય કરવાનો આનંદ માળ્યો હતો. જો કે ચૂંટણી તેમના દિમાગમાંથી બહાર રહી શકતી નથી. આ પ્રસંગે પણ તેમણે ભાજપને મ્હેણું માર્યું હતું. પોતાના ટૂંકા નિવેદનમાં તેમણે એકતાનું આહ્‌વાન કરતાં જણાવ્યું હતું કે, બંગાળને ક્યારેય ગુજરાત નહીં બનાવાયા દેવાય. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ બંગાળણાં ગુજરાત મોડલ લાગુ કરવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત અને જય હિન્દનો નારો બંગાળે વિશ્વને આપ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે આપણને જય હિન્દનું સૂત્ર આપ્યું જે વિશ્વ પ્રસિદ્ધ છે. અને રવિન્દ્રનાથ ટાગોરે આપણને રાષ્ટ્રીય ગાન આપ્યું. આ બધું બંગાળની ભૂમિ પરથી થયું છે. ભાજપ દ્વારા બંગાળને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે, એક દિવસ સમગ્ર વિશ્વ બંગાળને સલામ કરશે. નોબલ પ્રાઈઝ હોય કે કોઈપણ સન્માનની વાત હોય આ બધું બંગાળમાંથી જ શકય થઈ શકયું છે.