(એજન્સી) તિરૂવનંતપુરમ,તા.૭
દિલ્હીના રમખાણોના રિપોર્ટિંગ બદલ મલયાલમ ભાષાની બે ચેનલો – એશિયાનેટ ન્યૂઝ અને મીડિયા વન ન્યૂઝ સામે શુક્રવારે મોડી રાત્રે ૪૮ કલાકનો પ્રતિબંધ લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે શનિવારે કેરળમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મલયાલમ ભાષાની બે ન્યૂઝ ચેનલો સામે લદાયેલા ૪૮ કલાકના પ્રતિબંધની ભાજપ સિવાયના રાજકારણીઓ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. ઘણા લોકો તો ન્યૂઝ ચેનલો સામેના પ્રતિબંધનો વિરોધ કરવા માટે શેરીઓમાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ ભાજપના ટીકાકારો દ્વારા ન્યૂઝ ચેનલો સામેના પ્રતિબંધનો જોરદાર વિરોધ કરવામાં આવ્યા બાદ આખરે સરકારને તાકીદે પ્રતિબંધ ઉઠાવી લેવાની ફરજ પડી હતી. મલયાલમ ભાષાની બંને ન્યૂઝ ચેનલો સામેનો પ્રતિબંધ ૧૨ કલાકથી પણ ઓછા સમયમાં જ શનિવારે સવારે ૯-૨૫ વાગે ઉઠાવી લેવામાં આવ્યો છે. ઘણા લોકોએ તો સરકારના આ પગલાને ન્યૂઝ ચેનલો માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નું સરકારનું વર્ઝન ગણાવ્યું હતું. એશિયાનેટ ન્યૂઝ ચેનલ બિઝનેસમેન અને ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરની છે જ્યારે મીડિયાવન ન્યૂઝ ચેનલ મુસ્લિમ આઇડીયલ પબ્લિકેશન ટ્રસ્ટની માલિકીની મધ્યમમ બ્રોડકાસ્ટિંગ લિમિટેડની ટેલિવીઝન પાંખ છે. કેરળના મુખ્ય પ્રધાન પી વિજયને કેન્દ્ર સરકારના આ પગલાની ટીકા કરીને ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે સરકારનું આ પગલું રાજકીય અને ધાર્મિક અસહિષ્ણુર્તના યુગની આગાહી કરતો એક ખતરનાક ટ્રેન્ડ દર્શાવે છે. દિલ્હીની હિંસા દરમિયાન પક્ષપાતી અને એકતરફી રિપોર્ટિંગ કરવા અને દિલ્હી પોલીસ તેમ જ આરએસએસની ટીકા કરવા બદલ શુક્રવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બંને ન્યૂઝ ચેનલો સામે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે, ૧૨ કલાકથી પણ ઓછા સમયમાં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા ચેનલોનું પ્રસારણ પુનઃશરૂ થઇ ગયું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેના આદેશમાં જણાવ્યું હતું કે ચેનલે આરએસએસ અને દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેના પરથી એવું લાગે છે કે ચેનલ દિલ્હી પોલીસ અને આરએસએસની ટીકા કરનારી છે અને પોતાનું ધ્યાન નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના સમર્થકોની બર્બરતા પર કેન્દ્રીત કર્યું હતું. કેરળના મુખ્ય પ્રધાને જણાવ્યું કે ભારતમાં અઘોષિત ઇમરજન્સી લદાયેલી છે. કેન્દ્ર સરકારને સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ સામે વાંધો છે. સરકાર એવું ઇચ્છે છે કે સભ્ય સમાજ વિભાજનકારી રાજકીય એજન્ડા મુજબ ચાલે. કેરળના મુખ્ય પ્રધાને એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશો આપી દીધો છેકે આરએસએસની ટીકા કરવાની કોઇ પણ હિંમત કરશે તો તેને કેન્દ્રના રોષનો સામનો કરવો પડશે.