(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દેશની ર૩ ભાષાઓના લેખક-લેખિકાઓને સોમવારે સાહિત્ય અકાદમી પુરસ્કાર-ર૦૧૭ આપવામાં આવ્યા હતા. હરિયાણાના તરૂણ જુનૈદખાનની મારપીટ વડે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં મલયાલમ લેખક કે.પી.રામાનુન્નીએ એમના પુરસ્કારની એક લાખ રૂપિયાની રકમમાંથી માત્ર ત્રણ રૂપિયા પોતાની પાસે રાખી બાકીની રકમ જુનૈદની માતાને આપી દીધી. ગયા જૂન મહિનામાં જુનૈદ ઈદની ખરીદી કરી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે એને ટ્રેનમાં કેટલાક લોકો દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યું હતું. રામાનુન્નીએ કહ્યું હતું કે, એમને જે પુસ્તક માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું, તે સાંપ્રદાયિક સદભાવ પર આધારિત છે. એમણે કહ્યું હતું કે, જુનૈદને વગર કારણે મારી નાખવામાં આવ્યું હતું. તમિલ કવિ ઈકબાલના પરિજનો પણ આ પુરસ્કાર સમારોહમાં હાજર રહ્યા ન હતા. ઈકબાલને આ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવ્યો હતો. અસમ ભાષામાં જયંત માધવ બોરાને તેમના પુસ્તક ‘મોરિસાહિલા’ માટે પુરસ્કાર આપવામાં આવ્યો. બાંગ્લા ભાષામાં અફતાર અહેમદને તેમના પુસ્તક ‘સેઈ નિખોંજ માનુષતા’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બોડોમાં રીતા બોરાને ‘થવીસમ’ માટે ઈનામ મળ્યો. ડોગરીમાં શિવ મહેતાને ‘બન્ના’, અંગ્રેજીમાં મમંગ દાઈને ‘દ બ્લેક હિલ’ અને ગુજરાતીમાં ઉર્મી ઘનશ્યામ દેસાઈને એમના પુસ્તક ‘ગુજરાતી વ્યાકરણના બસ્સો વર્ષ’ માટે પુરસ્કાર આપવામાં આવ્યો. હિન્દીમાં રમેશ કુંતલ મેઘને તેમની કૃતિ વિશ્વ મિથક, સરિતા સાગર માટે સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યું. કન્નડમાં ટી.પી.અશોકને ‘કથાના ભારતી’, કાશ્મીરીમાં અવતાર કૃષ્ણ રબરને ‘થેલી પર્દા વોથ’ અને કોંકણીમાં ગનીનન રઘુનાથ જોગને ‘ખંડ અની હેર કથા’ માટે ઈનામ આપવામાં આવ્યું. મૈથિલીમાં ઉદય નારાયણસિંહ ‘નચિકેતા’ને તેમના પુસ્તક ‘જહાલક ડાયરી’, મણિપુરીમાં રાજેન તોઈજાબાને ‘ચાહી તારેત ખુંતાકાપા’, મરાઠીમાં શ્રીકાંત દેશમુખને ‘બોલાવે તે અમેહી’ અને નેપાળીમાં બીના હંગખિમને કીર્તિ વિમર્શ માટે ઈનામ મળ્યો. ઉડિયામાં ગાયત્રી સરાફને ‘એતાવાતિશ શિલ્પી’, પંજાબીમાં નધત્રને ‘સ્લોડાઉન’, રાજસ્થાનીમાં નીરજ દઈયાને ‘બીના હસલપાઈ’, સંસ્કૃતમાં નિરંજન મિશ્રાને ‘ગંગાપુત્રાવાદાનમ’, સંથાલીમાં ભૃજંગ તુદુને તાહેનાન તાંગી રે અને સિંધિમાં જગદીશ લાછાનીને ‘આછેદે લાજા મારાન’ માટે પુરસ્કાર આપવામાં આવ્યું. તેલુગુમાં ટી.દેવીપ્રિયાને ‘ગાલીરંગૂ’ અને ઉર્દૂમાં મોહંમદ બેગ અહસાસને ‘દખમા’ માટે પુરસ્કાર આપવામાં આવ્યું. સાહિત્ય અકાદમીના પ્રમુખ ચંદ્રશેખર કબર એ વિજેતાઓને પ્રશિસ્તપત્ર, શાલ અને એક-એક લાખ રૂપિયાનો ચેક આપ્યો.