(એજન્સી) તા.રપ
ઈસ્લામિક સ્ટડીમાં ડૉ. રફત સીમા એક જાણીતું નામ છે. તે વિદ્યાર્થી જીવનથી જ સામાજિક મુદ્દાઓ માટે લડતા આવ્યા છે અને આવા મુદ્દાઓ પર લોકોની આગળ વધીને મદદ કરતા આવ્યા છે. તેઓ એક આલીમા છે. તેમને એનઆઈએસએની સ્થાપના પણ કરી હતી જે એક મહિલાઓ માટે કામ કરતું સંગઠન છે.
જ્યારે સેંકડોની સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થીઓ હૈદરાબાદ આવ્યા હતા ત્યારે અનેક સંગઠનો તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. આ દરમિયાન તેમને કપડાં અને ખોરાક બંને પૂરા પાડવા પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન જ તે અભિયાનનો ભાગ રફત સીમા પણ બની ગયા હતા.
એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હું એક વિદ્વાન છું અને આ કારણોસર જ મારી વિચારસરણી અલગ જ છે. હું માનું છું કે કોઈપણ વસ્તુ દ્વારા સેવા આપવામાં આવે તો તે થોડાક જ સમય માટે ટકે છે અને આ પ્રકારની મદદ કરનારા લોકો પણ થોડાક સમય બાદ અટકી જાય છે.
તે કહે છે કે એ પણ સાચી વાત છે કે કોઈ ક્યાં સુધી કોઈની મદદ કરતું રહેશે ? એકને એક દિવસે શરણાર્થીઓએ પણ પોતાના પગ પર ઊભા થવું પડશે. તો આપણે તેમને એક એવી વસ્તુ કેમ ન આપીએ કે તેમની પાસે ખૂટે જ નહીં ? એવી વસ્તુ આપીએ કે જે તેમની પાસે હંમેશા માટે રહે ? ત્યારપછી જ મેં નિર્ણય લીધો કે હું તેમને કુર્આન શરીફ શીખવાડીશ અને તેમને ઉર્દૂ તથા અંગ્રેજીમાં લખતાં શીખવાડીશ.
અન્ય સંગઠનોની જેમ રફત સીમાએ રોહિંગ્યાઓ માટે હેલ્થ કેમ્પ આયોજિત કરવાની શરૂઆત કરી. અહીં એવા અનેક લોકો સારવાર લેવા આવી રહ્યા હતા જેઓ નરસંહારથી બચીને અહીં પહોંચ્યા હતા. પોતાની વિનમ્ર ભાષા થકી પણ રફત સીમા આ લોકોના દર્દને મટાડી રહી હતી.