(એજન્સી) હૈદરાબાદ, તા.૮
મહેબુબાબાદની એક વિધવા જમીલાએ પોતાના પતિના મૃત્યુ બાદ શોકમગ્ન થઈ બેસી રહેવાના બદલે પોતાના બાળકોના ભરણપોષણ માટે પોતાના પતિની નોકરી લેવાનું નક્કી કરી એક આદર્શ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તેણી મહિલા ટપાલી તરીકે કામ કરે છે.
જમીલાના પતિ ખાજા મિયાનું ૧૦ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને તેઓ એક ટપાલી હતા. તેમના મૃત્યુના સમયે તેમની મોટી દીકરી પમાં ધોરણમાં જ્યારે નાની દીકરી ત્રીજા ધોરણમાં હતી. જમીલાએ તેના પતિનું સ્થાન લીધું અને તેણી ટપાલ વિભાગમાં પ્રથમ મુસ્લિમ મહિલા ટપાલી બની. શરૂઆતમાં તેણીને સાયકલ ચલાવતા ન આવડતું હોવાથી તે ચાલીને ઘરે ઘરે પત્રો અને પાર્સલ પહોંચાડતી હતી. હવે તેણીએ સાયકલ ચલાવતા શીખી લીધું છે. શરૂઆતમાં તેણીને રૂા. ૬૦૦૦ વેતન મળતુ હતું જે પૂરતું ન હતું. તેથી તેણીએ સાથે સાડીઓ વેચવાનું શરૂ કર્યું હતું. હવે તેણીની આવક દર મહિને ૧૦,૦૦૦ છે. તેણીની મોટી દીકરી એન્જિનિયરીંગ કરી રહી છે અને નાની દીકરી ડિપ્લોમાનો અભ્યાસ કરી રહી છે.