અમદાવાદ,તા.ર
કૃષિ મંત્રી આર.સી. ફળદુએ મશીનથી ખાતરની વિતરણ વ્યવસ્થા સંદર્ભમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વિપરીત સમાચારોથી ખેડૂતો ગેરમાર્ગે ન દોરવાય તેવી અપીલ કરી છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારની ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી આ કામગીરી વ્યવસ્થા પરત્વે ખેડૂતોનો વિશ્વાસ બની રહે, વધુ સારી વિતરણ વ્યવસ્થાથી ખેડૂતને સરળતાથી ખાતર મળી રહે અને તેની ખેડૂતોને જાણ થાય તે માટેના સઘન પ્રયાસો સરકારે હાથ ધર્યા છે.
કૃષિમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં પી.ઓ.એસ. મશીનથી ખાતરની વિતરણ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાને કારણે આ વ્યવસ્થા અન્વયે તા.૧ ફેબ્રુઆરી ર૦૧૮થી પી.ઓ.એસ મશીન દ્વારા વિતરણ કરવાનું શરૂ કર્યું છે.
આ માટે રાજ્યના ખાતર વિતરકોને વિનામૂલ્યે પી.ઓ.એસ. મશીન પૂરા પાડવામાં આવ્યા છે અને તમામ ખાતર વિક્રેતાઓને પી.ઓ.એસ. મશીન ચલાવવા અંગે સઘન તાલીમ પણ આપવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં તા.રપ/૦૧/ર૦૧૮થી ખાતર વિક્રેતાઓ દ્વારા પી.ઓ.એસ. મશીનમાં ખાતરનો ભૌતિક જથ્થો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે તા.૩૧/૧/ર૦૧૮ સુધીમાં મહ્‌દઅંશે પૂર્ણ કરવામાં આવેલ છે.
કૃષિમંત્રીએ પી.ઓ.એસ. મશીન દ્વારા શરૂ થયેલ ખાતર વિતરણ પદ્ધતિની વિગતો આપતા જણાવ્યું કે ખેડૂત વતી ખાતર ખરીદી કરવાની પણ જોગવાઈ રાખવામાં આવેલ છે. જેમાં ખેડૂત વતી ખાતર ખરીદી કરવા જનાર વ્યક્તિ કે ગામડેથી ખાતર વિતરણ કેન્દ્ર પર જનાર ટેમ્પો કે ટ્રેક્ટરના ડ્રાઈવર કે અન્ય ટ્રાન્સપોર્ટર પોતાનું તેમજ જે ખેડૂત માટે ખાતર ખરીદી કરવાની છે તે ખેડૂતનું આધારકાર્ડ સાથે લઈ જવાનું રહેશે. આમ ખાતર ખરીદનાર દરેક ખેડૂતે જાતે જ ખાતર વિતરણ કેન્દ્ર સુધી જવું બિલકુલ ફરજિયાત નથી તેમ તેમણે ઉમેર્યું છે.
કૃષિ મંત્રીએ સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં ઊભી કરાયેલ નવીન ખાતર વિતરણ વ્યવસ્થા અંગે ખેડૂત આલમમાં કોઈ ગેરસમજ ન રહે તે હેતુથી આ અપીલ કરી છે.