પાટણ, તા.૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દેશને દિશા આપનાર બની રહેશે. અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ જેવા ગુજરાતના વીરપુરુષોએ ભારતનું નામ વિશ્વફલક પર ગુંજતું કર્યું છે. જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બેફામ વાણી વિલાસથી વિશ્વ અને દેશમાં ગુજરાતને બદનામ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની શાંતિ અને અહિંસા પ્રિય પ્રજા આનો જવાબ આપશે તેમ આજે પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.કિરીટ પટેલના પ્રચાર અર્થે આવેલા કર્ણાટક કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રો.રાધાકૃષ્ણએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
ગુજરાતના વિકાસ મોડેલની વાત કરતા ઉમેર્યું હતું કે ડો.કિરીટ પટેલ સાથે આજે મેં ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી ક્યાંય વિકાસ જોવા મળ્યો નથી. ગુજરાતની પ્રજાની જવાબદારી છે કે, આ વખતે નવી દૃષ્ટિ અપનાવે અને નવસર્જન કરે. વડાપ્રધાને સત્તાગ્રહણ કર્યા બાદ અડવાણી, બાજપાઈ, સંજય જોષી જેવા ભાજપના ધુરંધર નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે. તેઓ સંવાદ કે વાર્તાલાપમાં માનતા નથી. હું કહું તે જ સાંભળો તેમ કહી ભાષણમા હિપ્નોટીઝમની રીત અપનાવે છે. એ.આઈ.સી.સી.ના કો-ઓર્ડિનેટર અને પાલીના પૂર્વ ધારાસભ્ય એવા પાટણ બેઠકના નિરીક્ષક ખુશવંતસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતની આ વખતની ચૂંટણી લોકતંત્રને બચાવવા માટેની છે. જે રીતે લોકજુવાળ ઊભો થયો છે તેનાથી લાગે છે કે આ વખતે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે અને તે પરિણામના દિવસે ખબર પડશે. આ ઉપરાંત કર્ણાટક યુનિવર્સિટીના ઉપકુલપતિ મહેશ અપ્પાએ વડાપ્રધાન દ્વારા ચગાવવામાં આવેલ ગુજરાત વિકાસ મોડેલની ઝાટકણી કાઢી આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે ડો.કિરીટ પટેલ, રણજીત ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ગુજરાતનું નામ રોશન કર્યું, જ્યારે વડાપ્રધાને બદનામ : પ્રો.રાધાક્રિષ્ણ

Recent Comments