(એજન્સી) મુંબઈ, તા.ર૮
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પર તીખો હુમલો કરતાં ગોવા પ્રદેશ શિવસેનાએ જણાવ્યું હતું કે અમિતશાહ કાંગારૂં કોર્ટ તરીકે વર્તન કરી રહ્યા છે અને કોઈપણ સત્તા કે અધિકાર વિના વિવિધ મુદ્દાઓ પર ચુકાદો આપી દે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શાહે મહાદયી નદીના વિવાદના ઝડપી ઉકેલ માટે વચન આપ્યું હતું.
ગઈકાલે કર્ણાટકમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં અમિતશાહે જણાવ્યું હતું કે મે રાજ્યમાં ભાજપ સત્તા પર આવશે તો તે ગોવા અને કર્ણાટક વચ્ચેના મહાદયી નદી વિવાદને ઉકેલશે. ગોવા શિવસેનાના પ્રવક્તા રાખી પ્રભુ દેસાઈ નાયકે જણાવ્યું હતું કે શાહનું આ નિવેદન ગોવાના લોકોથી વિરૂદ્ધ છે. તેઓ ગોવાવાસીઓને કોઈ ખેરાત આપતા હોય તેવી રીતે વર્તી રહ્યા છે. અમે જાણવા માંગીએ છીએ. ગુજરાતના વતની શાહને અમારી પાણીની સમસ્યા અંગે બોલવાનો અધિકાર કોણે આપ્યો.
રાખીએ જણાવ્યું હતું કે આ વિવાદની ટ્રિબ્યુનલમાં સુનાવણી ચાલી રહી છે. પછી અમિતશાહ શા માટે કાંગારૂં કોર્ટની જેમ વર્તી રહ્યા છે અને ચુકાદો આપી રહ્યા છે ? તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા ગોવાના લોકો સાથે જોડાયેલી છે. અમે મહાદયી નદીના ‘ડાયવર્ઝન’ની વિરૂદ્ધ છે. શાહ કર્ણાટકના લોકોને માત્ર ‘ઉલ્લુ’ બનાવી રહ્યા છે.
ગોવા અને કર્ણાટક વચ્ચે ઘણા લાંબા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં શિવસેના એક માત્ર એવી પાર્ટી છે. જેના રાષ્ટ્રીય નેતાઓ ગોવાની પડખે છે જ્યારે ભાજપના નેતાઓ આ વિવાદમાં કર્ણાટકની તરફેણ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ ચૂપચાપ ‘ડાયવર્ઝન’ના સમર્થનમાં છે.
શિવસેનાએ માંગ કરી હતી કે ગોવા ભાજપના નેતાઓ આ વિવાદ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરે.