(એજન્સી) તા.૭
નજીકના ભવિષ્યમાં સમાપ્ત થવાની જેની કોઇ શક્યતા દેખાતી નથી તે કોરોના વાઇરસની મહામારી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કરતાં શિવસેનાએ મંગળવારે કહ્યું હતું કે વડાપ્રધાને એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફક્ત ૨૧ દિવસમાં કોરોના વાઇરસનો ખાત્મો બોલાવી દેવામાં આવશે પરંતુ ૧૦૦ દિવસ થઇ ગયા હોવા છતાં આ રોગચાળો હજુ ચાલુ જ છે.
પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું હતું કે કોવિડ-૧૯ સામે છેડાયેલુ આ યુદ્ધ મહાભારતના યુદ્ધ કરતાં તદ્દન જુદું છે અને આ રોગચાળો ૨૦૨૧ સુધી ચાલુ રહેશે કેમ કે તે પહેલાં તેની રસી શોધાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. કોરોનાના કેસોની સંખ્યા બાબતે ભારત રશિયાને પાછળ પાડી દઇ વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું તે બાબતે પણ શિવસેનાએ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
નાણાંકીય રીતે વિશ્વમાં સુપરપાવર બનવાના સ્વપ્ન જોતાં ભારતમાં ૨૪ કલાકમાં જ કોવિડ-૧૯ના ૨૫૦૦૦ કેસ આવે તે સમગ્ર રાષ્ટ્ર માટે અત્યંત કમનસીબ અને ગંભીર બાબત છે એમ સેનાએ કહ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર દેશભરમાંથી કોવિડના ૨૨,૨૫૨ કેસો નોંધાતા કોરોનાથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યાનો આંકડો ૭,૧૯,૬૬૫ ઉપર પહોંચી ગયો હતો, જેમાં ૨,૫૯,૫૫૭ એક્ટિવ કેસોનો અને સાજાં થયેલા ૪,૩૯,૯૪૭ લોકોની સંખ્યાનો પણ સમાવેશ થઇ જાય છે. આ રોગચાળાના કારણે દેશભરમાં મરનારા લોકોનો આંકડો ૨૦,૧૬૦ ઉપર પહોંચી ગયો હતો.
કોરોના વાઇરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થનારા દેશોમાં હવે ભારતનો ત્રીજો નંબર આવી ગયો છે. ૨૯,૩૫,૭૧૨ કેસો સાથે અમેરિકા પ્રથમ નંબરે અને ૧૬,૨૩,૨૮૪ કેસો સાથે બ્રાઝિલ બીજા ક્રમે આવે છે એમ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટિ દ્વારા કહેવામાં આવ્યું હતું.
કોરોનાના કેસોની બાબતે આપણે રશિયાને પાછળ પાડી દીધું છે અને જો સ્થિતિ આવી ને આવી જ રહી તો આગામી દિવસોમાં આપણે પ્રથમ નંબરે પહોંચી જઇશું એમ સામનામાં પ્રસિદ્ધ થયેલા લેખમાં કહેવામાં આવ્યું હતું. મહાભારતનું યુદ્ધ તો ૧૮ દિવસ જ ચાલ્યું હતું અને ગત માર્ચમાં વડાપ્રધાને દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફક્ત ૨૧ દિવસમાં જ કોરોનાનો રોગચાળો ખતમ થઈ જશે, પરંતુ આજે ૧૦૦ દિવસ થઇ ગયા હોવા છતાં આ રોગચાળો ચાલુ જ છે એમ શિવસેનાએ વડાપ્રધાન મોદીની ટીકા કરતાં કહ્યું હતું.